નાણાં ઉછીના લેવા છે તો કેન્દ્ર સરકારની યોજનાઓ છે જ! વ્યાજખોરો પાસે લેવાની જરૂર નથી
દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાતુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધાર કરનારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે.
આદર્શ સમાજના નિર્માણની દિશામાં પગલું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે. અત્યાર સુધી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્યંતિક પગલું ભરવાની તૈયારી કરી ચૂકેલાં કેટલાંક પરિવારો પણ હવે સામે આવી રહ્યાં છે.
પોલીસને મુક્તમને પોતાની વ્યથા જણાવી રહ્યાં છે. પોલીસ પણ તેમની પીડા સાંભળીને વ્યાજખોરોના વિષચક્રમાંથી તેમને મુક્ત કરી રહ્યાં છે. ગુજરાતમાં નાણાં ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને તેવા અને ગેરકાયદે વ્યાજે નાણાં આપતાં લોકો પર લગામ લાગે તે અભિગમ સાથે ચાલી રહેલું આ અભિયાન ખરેખર એક મોટા સામાજિક દૂષણનો પણ અંત લાવશે.
રાજ્ય સરકાર ઉપરાંત ગુજરાત પોલીસ પણ આ માટે ધન્યવાદને પાત્ર છે. આદર્શ સમાજના નિર્માણની દિશામાં આ એક મહત્વનું પગલું છે.