મધ્ય ગુજરાતની ૩૪ બેઠકો મહિલાઓનો દબદબોઃ 17 મહિલા ઉમેદવાર
(એજન્સી)વડોદરા, ગુજરાત વિધાનસભાની મધ્ય ગુજરાતની વડોદરા, ભરુચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને નર્મદા એમ સાત જિલ્લાની ૩૪ બેઠક ઉપર આ વખતે ૧૭ મહિલાઓ ચૂંટણીના જંગમાં છે. જેમાં ભાજપની-૩ અને કોંગ્રેસની છ મહિલાનો સમાવેશ થાય છે.
મધ્ય ગુજરાતની ૩૪ બેઠક ઉપર કુલ ૨૨૫ ઉમેદવારો છે, તેમાંથી ૧૭ મહિલાઓ ચૂંટણી સ્પર્ધામાં છે. નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ભાજપે સૌપ્રથમ વખત મહિલા ઉમેદવાર ડો. દર્શના દેશમુખની ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ડેડીયાપાડામાં બીજી વખત મહિલા ઉમેદવાર ચૂંટણી જંગમાં છે.
આ વખતે ત્યાં કોંગ્રેસમાંથી જેરમાબેન વસાવા છે. પંચમહાલમાં ગોધરા બેઠક પર કોંગ્રેસના રશ્મિકાબેનનો ભાજપના ઉમેદવાર સામે મુકાબલો થશે. જ્યારે મોરવા હડફ બેઠક પર ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી પદ ભોગવનાર નિમિષાબેન સુથારની ટક્કર કોંગ્રેસના સ્નેહલતાબેન ખાંટ સાથે થશે.
દાહોદમાં ગરબાડા બેઠક પરથી કોંગ્રેસના ચંદ્રિકાબેન બારીયા ચૂંટણી લડી રહ્યા છે. વડોદરા શહેર વાડી બેઠક પરથી મંત્રી મનીષાબેન વકીલને ભાજપે પુનઃટીકીટ આપીને મેદાનમાં ઉતાર્યા છે.
વડોદરાની સયાજીગંજ બેઠકમાં કોંગ્રેસના અમીબેન રાવત જ્યારે માંજલપુરમાં કોંગ્રેસના ડો.તસવીન સિંગ ચૂંટણી મેદાનમાં છે. આ સિવાય મહીસાગરમાં બે, છોટાઉદેપુર જિલ્લામાં એક, ભરૂચ જિલ્લામાં એક, વડોદરા જિલ્લામાં બે, પંચમહાલ જિલ્લામાં બે મહિલા ઉમેદવાર સ્પર્ધામાં છે.