Western Times News

Gujarati News

અમદાવાદમાં સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશન મચ્છર મારશે

પ્રતિકાત્મક

મચ્છર મારવા માટે અનુભવ જરૂરી કે ટર્ન ઓવર ?: ચર્ચાનો વિષય

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મચ્છર મારવાનો ધીકતો ધંધો ચાલી રહયો છે. મચ્છર મારવા માટે દર વર્ષે કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ આપવામાં આવે છે તેમ છતાં મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવતો નથી.

મ્યુનિ. મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરની ઉત્પતિને નિયંત્રણમાં લેવા માટેના એકજ કામ માટે અલગ-અલગ બે થી ત્રણ પ્રકારના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેમાં ફોગીંગ અને આઈઆરએસ મુખ્ય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ચાલુ વર્ષે મચ્છર મારવા માટે અનુભવના બદલે ટર્ન ઓવરને મહત્વ આપવામાં આવ્યું છે.

જેમાં સરકારી એકમ સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશનને આખા શહેરનો કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે માત્ર ૧૮૦ દિવસના કોન્ટ્રાકટ માટે જે રકમ ચુકવવામાં આવશે તે રકમમાં જ ફોગીંગ મશીન ખરીદ કરવામાં આવે તો આગામી ૧૦ વર્ષ સુધી આ પ્રકારના કોઈ કોન્ટ્રાકટ આપવાની જરૂરિયાત રહે નહી.

મ્યુનિ. મેલેરિયા વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆત સાથે આઈઆર સ્પ્રે અને ફોગીંગ માટેના ટેન્ડર મંજુરી માટે મુકવામાં આવે છે. ચોમાસાની સીઝન શરૂ થાય ત્યારબાદ જ આ પ્રકારની દરખાસ્ત રજુ કરવાનો સીધો મતલબ એ પણ થાય છે કે મેલેરિયા વિભાગના અધિકારીઓ યેનકેન પ્રકારે શાસકોને ભીંસમાં લેવા માંગે છે.

ર૦ર૩માં પણ આ મુજબ જ ૭ ઝોનમાં ફોગીંગ માટેની દરખાસ્ત જુલાઈ મહિનામાં રજુ કરવામાં આવી રહી છે જેમાં સરકારી એકમ સેન્ટ્રલ વેરહાઉસીંગ કંપનીને પ્રતિ મકાન રૂા.૧૧.૦પ લેખે ચુકવવામાં આવશે. આ કંપનીને સદર ટેન્ડરમાં અનુભવ કે કાર્યદક્ષતાને ધ્યાનમાં લેવાને બદલે ટેન્ડર રકમના ૩૦ ટકા ટર્નઓવરની શરત રાખવામાં આવી છે

જેમાં સળંગ નાણાંકિય વર્ષ દરમિયાન ૩૦ ટકાથી વધુ ટન ઓવર ન હોય તેમના ટેન્ડર રદ કરવામાં આવ્યા છે તેમજ સળંગ ૩ વર્ષ સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં ઈન્ડોર ફોગીંગનો અનુભવ તેમજ ટેન્ડર રકમના પ૦ટકા રકમના કામ જેવી શરતો મુકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં મોટાભાગે ગુજરાત વેર હાઉસીગ કોર્પોરેશન જ કામ કરે છે. મ્યુનિ. મેલેરિયા વિભાગ દ્વારા કુલ ૧૪૦ ફોગીંગ મશીન માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં પશ્ચિમ ઝોનમાં રપ, મધ્યઝોનમાં ૧૩, ઉત્તર ઝોનમાં ર૦, પૂર્વ ઝોનમાં ર૦, દક્ષિણ ઝોનમાં ર૦, ઉ.પ.માં રપ, અને દ.પ.માં ૧૭ મશીન માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે.

ર૦રરમાં ૧૦૦ મશીન માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા. મ્યુનિ. મેલેરિયા વિભાગે મેલેરિયા વિભાગ દ્વારા અંદાજે રૂા.પ.પ૦ કરોડના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે જેમાં મશીન દીઠ દૈનિક રપ૦ મકાનની શરત રાખવામાં આવી છે. જે મુજબ ગણતરી કરવામાં આવે તો દૈનિક ૩૭ હજાર મકાનોમાં ફોગીંગ થશે

તેમજ ૧૮૦ દિવસની સમયમર્યાદા મુજબ ગણતરી થાય તો ૬૬.૬૦ લાખ યુનિટમાં ફોગીંગ થશે. નોંધનીય છે કે અમદાવાદમાં કુલ રપ લાખ મિલકતો જ છે. આ ગણતરી મુજબ જે પ.પ૦ કરોડની જે ટેન્ડર રકમ છે તેમાં વધુ ૧ થી ૧.પ૦ કરોડનો વધારો થઈ શકે છે.

મ્યુનિ. કોર્પો. પાસે સ્વમાલિકીના ૩૦૦ હેન્ડી ફોગીંગ મશીન છે જેને ઓપરેટ કરવા માટે ૬૮૩ વર્કર કોન્ટ્રાકટ પર લેવામાં આવ્યા છે જેઓ બે શીફટમાં કામ કરશે જેમને લઘુતમ વેતન ધારા મુજબ પગાર ચુકવવામાં આવશે. આ મ્યુનિ. કોર્પો. પાસે ૩૦૦ મશીન હોવા છતાં વધુ ૧૪૮ મશીન માટે કોન્ટ્રાકટ આપવામાં આવી રહયો છે

ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે મ્યુનિ. મેલેરિયા વિભાગ જે પ.પ૦ કરોડ રૂપિયા કોન્ટ્રાકટરોને ચુકવી રહયું છે તેટલી રકમમાંથી નવા હેન્ડી ફોગીંગ મશીન ખરીદ કરે તો આગામી ૧૦ વર્ષ સુધી કોઈ કોન્ટ્રાકટની જરૂરિયાત રહેતી નથી. નવા એક હેન્ડી ફોગીંગ મશીનની બજાર કિંમત રૂા.રપ હજારથી ૬૦ હજાર સુધીની છે.

સૌથી મોંઘા રૂા.૬૦ હજારનું મશીન ખરીદે તો પણ તંત્ર સ્વમાલિકીના ૯૧પ મશીન વસાવી શકે તેમ છે પરંતુ જાે આ મુજબ મશીન વસાવવામાં આવે તો કોન્ટ્રાકટરો અને અધિકારીઓ બંનેને ભારે તકલીફ થાય તેમ છે તેવું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.