સમયમર્યાદામાં બિલોને મંજૂરીના સુપ્રીમના નિર્ણયને કેન્દ્ર પડકારશે

મુંબઈ, કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ઐતિહાસિક ચુકાદાને પડકારે તેવી શક્યતા છે જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિને રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
૮ એપ્રિલના રોજ આવેલા ચુકાદાએ એક રીતે રાષ્ટ્રપતિની સત્તાઓમાં ઘટાડો પણ કર્યાે હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સમીક્ષા અરજી દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે.
તમિલનાડુ કેસમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બે જજોની બેન્ચ દ્વારા ચુકાદો અપાયો હતો. આ ચુકાદા સાથે સુપ્રીમે રાજ્યપાલો દ્વારા રજૂ કરાયેલા બિલો પર રાષ્ટ્રપતિને ત્રણ મહિનાની સમયમર્યાદા આપી હતી. સરકારનું માનવું છે કે, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જેવા બંધારણીય પદો માટે સમયમર્યાદા નક્કી કરવી ન્યાયતંત્રના કાર્યક્ષેત્રને અસર કરી શકે છે.
આ મુદ્દા પર સરકારના ઉચ્ચ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ થવાની પૂરી શક્યતા છે. આ અરજી કયા આધારે દાખલ કરવામાં આવશે તે અંગે વિચારણા ચાલી રહી છે અને સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે પછી જ તે જાણી શકાશે.
ભારતના એટર્ની જનરલ (એજી) આર વેંકટરામણીએ જણાવ્યું હતું કે આ મામલે રાષ્ટ્રપતિનો પક્ષ પણ ધ્યાનમાં લેવો જોઈતો હતો, પરંતુ કેન્દ્ર સમીક્ષા અરજી દાખલ કરશે કે નહીં તેની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યાે હતો.ગયા અઠવાડિયે એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કર્યું હતું કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા વિચારણા માટે અનામત રાખેલા બિલો પર આ પ્રકારનો સંદર્ભ પ્રાપ્ત થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જોઈએ.
ચુકાદા બાદ તમિલનાડુ સરકારે સુપ્રીમના ચુકાદાને ટાંકીને સત્તાવાર ગેઝેટમાં ૧૦ કાયદાઓને સૂચિત કર્યા, જે મુજબ તેમને મંજૂરી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ૧૦ બિલોને પણ મંજૂરી આપી હતી જેને તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ રાષ્ટ્રપતિના વિચાર માટે મુલતવી રાખ્યા હતા.SS1MS