નર્મદાના રેંગણ ઘાટ ખાતે 24×7 શરૂ કરવામાં આવ્યો કંટ્રોલરૂમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEOએ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી
(માહિતી)રાજપીપલા, નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાના પ્રારંભે CEOના સીઈઓ ઉદિત અગ્રવાલે રામપુરા, શહેરાવ, તિલકવાડાથી રેંગણ સુધીની ૧૪ કિમીની પદ પરિક્રમા પૂર્ણ કરીને જિલ્લાવાસીઓના સુખાકારીની પ્રાર્થના કરી હતી.
પદ પરિક્રમા સાથે જ અગ્રવાલે આરોગ્યની ટીમ, પરિક્રમા પથ પરના માર્ગો, પંડાલ, પોલીસ બંદોબસ્ત, શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થાઓનું નીરિક્ષણ કરીને તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાઓની નોંધ લીધી હતી.
તેઓની સાથે કેવડિયા વન વિભાગના નાયબ વનસંરક્ષકશ્રી અજ્ઞેશ્વર વ્યાસ પણ જોડાયા હતા. શ્રદ્ધા આસ્થા સાથે જોડાયેલી આ પવિત્ર ભૂમિ પર પાછલા કેટલાંક વર્ષોની સરખામણીમાં ભાવિક ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
જે માટે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ખુબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેની નોંધ લઈને અગ્રવાલે તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા સરસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઉલ્લેખીય છે કે, રેંગણ ઘાટ ખાતે ૨૪ x ૭ શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમ મારફતે ભાવિક ભક્તોને તમામ પ્રકારની મદદ પુરી પાડવામાં આવશે. નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ બાટોમાં બેસે ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લાઈફ જેકેટ પહેરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.