અમૂલમાં ચેરમેન – વા.ચેરમેનની ચૂંટણી પૂર્વે ભારે ઉથલ પાથલ
ચાર ડિરેકટરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ સ્વીકાર્યું
(પ્રતિનિધિ) પેટલાદ, ચરોતરની જીવાદોરી સમાન અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન માટે બીજી ટર્મની ચૂંટણી આગામી તા.૧૪ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. તે પૂર્વે આજે કોંગ્રેસ સમર્થિત ચાર ડિરેક્ટરોએ કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કરતા સહકારી રાજકારણમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ છે. આગામી ચૂંટણીમાં અમૂલ ભાજપમય બનવા સાથે સત્તા પરિવર્તનના ભણકારા અત્યારથી જ વાગી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધી ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (અમૂલ) ની સામાન્ય ચૂંટણી ગત ઓગસ્ટ ૨૦૨૦માં યોજાઈ હતી. અમૂલમાં અત્યાર સુધી ચાલતો આવતો કોંગ્રેસનો દબદબો આ ચૂંટણીમાં વિસરી રહ્યો હોવાનું જાેવા મળ્યું હતું. જાે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ રામસિંહ પરમાર ચેરમેનપદે અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર વા.ચેરમેન પદે સત્તારૂઢ બન્યા હતા. આમ ભાજપ – કોંગ્રેસની મિલીઝુલી સત્તા એમ પણ ડચકાં ખાઈ રહી હતી. આ અઢી વર્ષ દરમ્યાન ભાજપે સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા સહિત સહકારી ક્ષેત્રની તમામ ચૂંટણીઓમાં કાઠું કાઢ્યું હતું.
જેથી કોંગ્રેસની એમ પણ રાજકીય સ્થિતી અતિ દયનીય બની રહી છે. તેવામાં થોડા દિવસો અગાઉ આણંદના કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે ભાજપનો કેસરીયો ધારણ કરતા અમૂલમાં સત્તા પરિવર્તનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ હતું. ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ આજરોજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે બીજા ચાર ડિરેક્ટરોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ધારણ કર્યો છે. આ સાથે જ ચરોતરના સહકારી રાજકારણમાં ભૂકંપની સ્થિતી સર્જાઈ છે.
ચરોતરના ખેડા, આણંદ અને મહિસાગર જીલ્લાના પશુપાલકો સાથે સંકળાયેલ અમૂલ ડેરીના વર્તમાન ડિરેક્ટર જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ (મહેમદાવાદ), શારદાબેન હરિભાઈ પટેલ (કપડવંજ), ઘેલાસિંહ માનસિંહ ઝાલા (કઠલાલ) અને સીતાબેન ચંદુભાઈ પરમાર (ખંભાત) આજરોજ ભાજપ સાથે જાેડાયા છે. આગામી તા.૧૪ના રોજ અમૂલના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ વખતે સત્તા પરિવર્તન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જાેવાનુ એ રહેશે કે અમૂલમાં કરોડોના વહિવટ માટે કોના શિરે ચેરમેનનો તાજ મૂકાય છે ?