અમૂલ ફેડરેશનમાં ચેરમેન – વા.ચેરમેન પુનઃ સત્તારૂઢ

(પ્રતિનિધિ) પેટલાદ, ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી આજરોજ આણંદ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના ૧૮ દૂધ સંઘો પૈકી ૧૭ના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા. આજની ચૂંટણીમાં ચેરમેન પદે શામળભાઇ પટેલ તથા વાઇસ ચેરમેન પદે વાલમજીભાઈ હુંબલની બિનહરિફ વરણી થઈ હતી. આમ અઢી વર્ષની બીજી ટર્મ માટે આ બંન્ને પુનઃ સત્તારૂઢ થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ અમૂલ ફેડરેશનના ચેરમેન તથા વા. ચેરમેનની અઢી વર્ષની પ્રથમ ટર્મ ચાલુ મહિનામાં પૂર્ણ થતી હતી. જેથી બીજી ટર્મ માટે ચૂંટણીનું જાહેરનામું જીલ્લા કલેક્ટર ડી એસ ગઢવીએ જાહેર કર્યું હતું. જેથી અંદાજીત ૪૬૦૦૦ કરોડના ટર્ન ઓવર ધરાવતા ફેડરેશનમા ચેરમેન અને વાઈસ ચેરમેન બનવા દોઢ તેજ થઇ ગઈ હતી. જેની રેસમાં રાજ્યના ૧૮ દૂધ સંઘો પૈકી કેટલાક ચેરમેનોએ ભાજપના ઉચ્ચ મોવડી મંડળ સુધી લોબીંગ શરૂ કર્યું હતું.
જેમાં વર્તમાન હોદ્દેદારો સહિત ઉત્તર ગુજરાતમાથી મહેસાણા દુધ સંઘના ચેરમેન અશોક ચૌધરી, મધ્ય ગુજરાતથી ખેડા દુધ સંઘના ચેરમેન રામસિંહ પરમાર તથા દક્ષિણ ગુજરાતના સુરત દુધ સંઘના ચેરમેન માનસિંહ પટેલ દાવેદારોની રેસમાં સૌથી આગળ હતા. આવી ઉત્તેજનાભરી ચૂંટણી આજરોજ બપોરે ૧૨ કલાકે ડે.કલેક્ટર ધવલ બારોટની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે સાબરકાંઠા ડેરી સંઘના ચેરમેન શામળભાઇ પટેલની ઉમેદવારી માટે દરખાસ્ત અશોક ચોધરીએ કરી હતી. જેને રામસિંહ પરમારે ટેકો જાહેર કર્યો હતો. તેવી જ રીતે વાઈસ ચેરમેનપદ માટે વાલમજીભાઈ હુંબલની દરખાસ્ત માનસિહ પટેલે રજૂ કરી હતી, જેને વિહાભાઈ સભાડે ટેકો આપ્યો હતો.
ઉમેદવારી પત્રો રજૂ કરવાની સમય મર્યાદામાં અન્ય કોઈ જ ફોર્મ નહિ ભરાતાં આ બંન્નેને બિનહરિફ વિજેતા ચૂંટણી અધિકારી ધવલ બારોટે જાહેર કર્યા હતા. આમ અઢી વર્ષની બીજી ટર્મ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પુનઃ સત્તારૂઢ થતાં સહકારી ક્ષેત્રમાં ઉત્તેજના અને આતુરતાનો અંત આવ્યો હતો. રાજકોટના ચેરમેન ગેરહાજર આજરોજ આણંદ ખાતે અમૂલ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે અન્ય ૧૭ દુધ સંઘના ચેરમેનો ઉપસ્થિત હતા.