ચાંદલોડિયામાં રહેતી ર વર્ષની બાળકી પણ કોલેરાની ઝપેટમાં આવી

શહેરમાં ચાલુ મહિનામાં કોલેરાના નવા ર૧ કેસ નોંધાયા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વૈશ્વિક મહામારી કોરોનાની સાથે સાથે અત્યંત જીવલેણ માનવામાં આવતા કોલેરાના રોગચાળાએ પણ માથું ઉંચકયું છે. ર૦ર૪માં કોલેરાના ર૦પ કેસ નોંધાયા હતાં
તેમ છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા ર૦રપમાં પણ કોલેરાના કેસ સતત વધી રહયા છે. ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના કેસની સંખ્યા ૪૭ થઈ છે. કોલેરાના કેસ મોટાભાગે શ્રમજીવી વસાહત અને ચાલીમાંથી બહાર આવી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે ચાલુ મહિનામાં કોલેરાના સકંજામાં ૧ર બાળકો પણ આવી ગયા છે.
સ્માર્ટ સીટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે કોલેરાના કેસ સતત વધી રહયા છે. ચાલુ મહિનામાં રપ તારીખ સુધી કોલેરાના ર૧ નવા કેસ નોંધાયા છે. જે પૈકી લાંભા વોર્ડમાં ૬, બહેરામપુરા-૩ મુખ્ય છે.
કોલેરાના કેસ મોટાભાગે પૂર્વ વિસ્તારમાંથી વધારે કન્ફર્મ થઈ રહયા છે અને કોલેરાની ઝપટમાં નાના બાળકો પણ આવી રહયા છે. ચાલુ મહિના દરમિયાન કોલેરાના ર૧ કેસ નોંધાયા છે તે પૈકી ૧ર બાળકો પણ છે. ચોંકાવનારી બાબત એ છે કે લાંભામાંથી જે ૬ કેસ કન્ફર્મ થયા છે તે પૈકી પ બાળકો છે.
શહેરમાં કોલેરાની સાથે સાથે ઝાડા-ઉલ્ટી અને કમળાના કેસ પણ વધી રહયા છે ચાલુ વર્ષ દરમિયાન ઝાડા-ઉલ્ટીના ર૯૯૪, કમળા-૯૩૧ અને ટાઈફોઈડના ૧પપ૮ કેસ નોંધાયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણીના રેન્ડમ ચેકિંગ કરવામાં આવે છે. ચાલુ મહિના દરમિયાન ૬પપ સ્થળે આવી તપાસ કરવામાં આવી હતી જેમાં પ૩ સ્થળે પાણીમાં કલોરિનનો અભાવ જોવા મળ્યો હતો.