ચાંદલોડીયામાં પાણીની ઓવર હેડ ટાંકી બનાવવામાં આવશે
સાબરમતીમાં જૂની ભુગર્ભ ટાંકી તોડી વધુ ક્ષમતાની નવી ટાંકી તૈયાર થશેઃ દિલીપ બગડિયા
( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વ્યાપ અને વસ્તીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પાણી, ડ્રેનેજ, લાઈટ અને રોડ જેવી પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતમાં પણ વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નવા વિસ્તારમાં ઝડપથી પ્રાથમિક સુવિધાના નવા કામ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે
જયારે હયાત માળખામાં ફેરફાર થઈ રહયા છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડીયા વોર્ડમાં પાણીની નવી ઓવર હેડ ટાંકી અને સાબરમતી વોર્ડમાં વધુ ક્ષમતા ની નવી ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપભાઈ બગડિયા ના જણાવ્યા મુજબ ઉતર પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં નવા સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ વૈષ્ણવદેવી ચાર રસ્તાથી ઝુંડાલ અંડરપાસ થઇ છારોડી ગામ આસપાસના વિસ્તાર તથા એસ.જી.હાઇવે થી રેલ્વે સુધીના વિસ્તારમાં આવેલ માલાબાર કાઉન્ટી ૧૨, માલાબાર કાઉન્ટી એકઝોટીકા, સાગા રેસીડેન્સી, અભીલાષા એપાર્ટમેન્ટ,
અદાણી પ્રથમ, માર્સ ઇલાઇટ, તિરૂપતી આકૃતી ગ્રીન, અલાયા હાઇટસ, અદાણી આર્ટીસ, સેન્ટેનરી તથા નવા ડેવલપ થતા બહુમાળી રહેણાંક મકાનો વિગેરે વિસ્તારમાં રહીશો દ્વારા હાલમાં પ્રાયવેટ બોરથી પાણી મેળવવામાં આવે છે સદર વિસ્તારમાં શુધ્ધ ટ્રીટેડ સરફેસ વોટર પુરૂ પાડવા માટે રૂ ૩૨.૪૬ કરોડના ખર્ચે ઉતર પશ્ચિમ ઝોનના યાંદલોડીયા વોર્ડમાં ટી.પી-૩૬, એફ.પી – ૧૭૦ નિરમા યુનિવર્સિટી પાસે ૯.૦૭ મીલીયન લીટર ક્ષમતાની ભુગર્ભ ટાંકી પંપ હાઉસ
સાથે તથા ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવર હેડ પાણીની ટાંકી બનાવવામાં આવશે. આ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાથી આશરે ૨.૦૦ ચો. કીમી. વિસ્તારમાં હાલમાં આશરે ૬૫,૦૦૦ જેટલી વસ્તીને પુરતા પ્રમાણમાં તથા પુરતાં પ્રેશરથી સરફેસ વોટર આપી શકાશે.
પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માં અગાઉ ફેઝ – ૧ માં પંપ હાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી રૂ ૮.૪૮ કરોડના ખર્ચે બનાવી કાર્યરત કરવામાં આવેલ છે તેમજ તબક્કાવાર ઓગમેન્ટેશન ના ભાગરૂપે ફેઝ-૨ માં જૂનું જર્જરિત પંપ હાઉસ તથા ભૂગર્ભ ટાંકી તોડી તેની જગ્યાએ રૂ ૮.૨૧ કરોડના ખર્ચે નવી વધુ ક્ષમતા ની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવશે.
સદર કામગીરી પૂર્ણ થયેથી આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનની હયાત સંગ્રહ ક્ષમતા ૧૭૬ લાખ લિટરથી વધારી ૨૧૦ લાખ લિટર કરવામાં આવશે. જેનાથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં તથા તેની આસપાસના વિસ્તારમાં વધતા ડેવલપમેન્ટને લીધે વધતી વસ્તીને પૂરતા પ્રેસરથી પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે