ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ
જન ઔષધિ કેન્દ્ર થકી મુસાફરોને મળશે ગુણવત્તાલક્ષી દવાઓ
Ahmedabad ,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તારીખ 13 નવેમ્બર 2024 ના રોજ દરભંગા, બિહાર ખાતેથી ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન અને ગુજરાત રાજ્યના વાપી, રાજકોટ સહિત સમગ્ર ભારતમાં ૧૮ સ્થળોએ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJKs)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નિર્માણ કરવામાં આવેલ ચાંદલોડિયા ખાતેના જનઔષધી કેન્દ્ર થકી મુસાફરો અને મુલાકાતીઓને જનઔષધિ ઉત્પાદનોની ઝડપી પહોંચની સુવિધા મળશે. Chandodiya railway station Jan Aushadi kendra
સસ્તી આરોગ્ય સંભાળના સરકારના વિઝન સાથે જોડાયેલા આ જન ઔષધી કેન્દ્ર પર ૫૦ થી ૯૦% સુધી ઓછી કિંમતમાં સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે. કેન્દ્ર દ્વારા પ્રવાસીઓ અને સામાન્ય જનતાને સુલભતા પ્રદાન કરી જેનેરિક દવાઓ પ્રત્યે જાગૃતિ લાવી પ્રોત્સાહિત કરવામાં આવશે, સાથે જ PMBJKના સંચાલન દ્વારા રોજગાર અને ઉદ્યોગસાહસિક તકોનું સર્જન થશે.
અમદાવાદ મંડળના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના તથા જન ઔષધિ કેન્દ્ર યોજના તેમની સંવેદનશીલતાના પ્રમુખ ઉદાહરણ છે. ૫૦૦૦ કરતાં વધારે જનઔષધિ કેન્દ્ર દ્વારા લાખો લોકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહી છે.
ત્યારે રેલ્વેને જન ઔષધિ યોજના સાથે જોડતા મુસાફરો તેમજ શહેરીજનોને પણ જીવન આવશ્યક ગુણવત્તાલક્ષી દવાઓની સુવિધાઓ મળશે. જન ઔષધી કેન્દ્ર પરથી મળતી દવાઓ નોન બ્રાન્ડેડ હોવાથી સસ્તી કિંમતે મળે છે તેની ગુણવત્તા સાથે કોઈ જ સમાધાન કરવામાં આવતું નથી. જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી ખાનગી કંપનીઓની દવાઓ કરતાં વ્યાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનેરીક દવાઓ મળી રહેશે. રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ સમગ્ર દેશના મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે.
કાર્યક્રમનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા મહાનુભાવોને સાલ અને બુકે આપીને કરવામાં આવ્યો હતો. સર્વે મહાનુભાવોના હસ્તે ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે પ્રત્યક્ષ રૂપે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ તકે મેયર-અમદાવાદ શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અમદાવાદ રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગી સહિત રેલવે મંડળના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.