તળાવની ફુટપાથ પર ૪૦ કરતા વધુ લારીઓના દબાણ છતાં AMC અધિકારી અજાણ

ચંડોળા ફરતે દિવાલ કરી તળાવને પાણીથી ભરવામાં આવશે
ટુંક સમયમાં ગેરકાયદેસર દબાણો પર ફરીથી હથોડા ઝીંકાશે- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૯ એપ્રિલથી ચંડોળા તળાવમાં મેગા ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને અસામાજિક તત્વોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં.
ગુરૂવાર બપોર બાદ અચાનક ડીમોલેશન કામગીરી બંધ કરવામાં આવી હતી જેના લીધે ભારે ઉહાપોહ થયો છે. જો કે, મ્યુનિ. વહીવટી તંત્ર દ્વારા એવો ખુલાસો કરવામાં આવી રહયો છે કે ટુંક સમયમાં જ ચંડોળામાં ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તળાવની ફરતે દિવાલ તેને પાણીથી ભરવામાં આવશે. જોકે તંત્રનો આ ખુલાસો કોઈને ગળે ઉતરે તેમ નથી.
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રિધેશ રાવલના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં ચંડોળા તળાવમાંથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંડોવાયેલ લોકો દ્વારા બનાવવામાં આવેલ અંદાજીત ૪૦૦૦ જેટલા કાચા-પાકા ઝુંપડા નેસ્તનાબુદ કરવામાં આવ્યા છે અને અંદાજીત ૧.૫ લાખ ચો.મી. જેટલો તળાવનો ભાગ દબાણમુક્ત કરવામાં આવ્યો છે.
ચંડોળા તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહશે. આ કામગીરીના ભાગરૂપે સૌ પ્રથમ અત્યાર સુધીમાં તોડવામાં આવેલા અંદાજે ૪૦૦૦ કાચા/પાકા મકાનોના કાટમાળ દૂર કરવાની કામગીરી શુક્રવાર બપોરથી જ શરુ કરી દેવામાં આવી છે. આ કાટમાળ દૂર થયા બાદ તળાવને ક્રમે-ક્રમે પાણીથી ભરવાનું શરૂ કરવામાં આવશે.
ચંડોળા તળાવને પાણીથી ભરવા માટે નાના અને મોટા ચંડોળા તળાવને અલગ કરતાં પાળાઓ અને દબાણો દૂર કરવા જરૂરી છે. તળાવના પાળાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તળાવનાં જે ભાગમાંથી દબાણો દુર કરવામાં આવેલ છે તે ભાગમાં ફરીથી દબાણો ન થાય તે માટે પ્રી-કાસ્ટ કમ્પાઉન્ડ વોલ (દિવાલ) લગાવવામાં આવી રહી છે. વધુમાં, તળાવમાં બાકી રહેલ હયાત દબાણો દુર કરવા માટે સર્વેની કામગીરી પણ શરૂ કરીછે.
તળાવમાં ગેરકાયદેસર વસવાટ કરતા સ્થાનિક લોકો સ્વેચ્છીક રીતે પોતાના દબાણો દૂર કરે તેવી સૂચના આપવામાં આવી રહી છે, જેથી આવા ઇસમો સ્વેચ્છીક રીતે પોતાનો માલસામાન લઈને જઈ શકે છે.
બીજા તબક્કામાં પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને તળાવની અંદરના અને આજુબાજુના તમામ દબાણો તબકકાવાર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે. આ બાબતે સૌ પ્રથમ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે હાલમાં ગેરકાયદેસર વસવાટ કરતાં આવાસોના વીજ કનેક્શન તાત્કાલિક અસરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અલગ-અલગ સરકારી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવશે.
જે લોકો સ્વેચ્છીક રીતે આવાસો ખાલી નહીં કરે તેવા લોકોની સામે મહેસુલ તંત્ર દ્વારા સખ્તાઈથી લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સમગ્ર તળાવ પરના કાટમાળ દૂર કર્યેથી તળાવમાં ક્રમશ રીતે પાણી ભરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રિધેશ રાવલનો અધુરો અભ્યાસ કે ઢાંક પીછોડો?
મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે કરેલા ખુલાસા ગળે ઉતરે તેવા નથી તેવી પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે તેઓ ચંડોળા તળાવ પાણીથી ભરવાની વાત કરી રહયા છે. પરંતુ ખારીકટ કેનાલનું કામ ચાલી રહયું હોવાથી તેમાં પાણી છોડી શકાય તેવી કોઈ સ્થિતિ જ નથી. જયારે ચંડોળા ભરવાનો એકમાત્ર રસ્તો ખારીકટ કેનાલ જ છે.
આ ઉપરાંત તળાવની અંદર એસટીપી બનાવવાની પણ વાત કરવામાં આવી રહી છે પરંતુ તેના માટે આસપાસના વિસ્તારોમાંથી ડ્રેનેજ નેટવર્ક ચંડોળા તરફ ડાયવર્ટ કરવા જરૂરી બને છે. એક તરફ તળાવ ડેવલપ કરવાની વાત કરવામાં આવી રહી છે જયારે બીજી તરફ તેમાં એસટીપી બનાવવાની વાત થાય છે તે બાબત જ તંત્રના અનિશ્ચિત નિર્ણયોનું ઉત્તમ ઉદાહરણ છે.
આ ઉપરાંત ચંડોળા ડિમોલીશન માટે જે સ્થળેથી આ ઉચ્ચ અધિકારીઓની ગાડી તળાવની અંદર જાય છે તે રોડની ફુટપાથ પર જ ૩૦ કરતા વધુ લારીઓના દબાણ છે તે બાબત પણ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રિધેશ રાવલને ખબર નથી તેમજ તે કયારે દુર કરવામાં આવશે તે બાબતની પણ ખબર નથી. તે બાબત જ ડેપ્યુટી કમિશનરના અધુરા અભ્યાસના પુરાવા છે. આ ઉપરાંત ચંડોળાથી મકાનો ખાલી કરી લોકો ગણેશનગર અને વૈશાલીનગરમાં રહેવા ગયા છે તે અંગે પણ તેમની પાસે કોઈ જ માહિતી નથી.