Western Times News

Gujarati News

ચંડોળા તળાવ ડેવલપમેન્ટનો ખર્ચ અલગ, સફાઈનો કોન્ટ્રાકટ અલગ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક ચંડોળા તળાવનું નવિનીકરણ કરવામાં આવી રહયું છે. જેના માટે કોન્ટ્રાકટ પણ આપવામાં આવ્યો છે. તેમ છતાં ચંડોળા તળાવના પાણીમાં થતી લીલને સાફ કરવા માટે હેલ્થ વિભાગ તરફથી લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહયું છે.

મ્યુનિસિપલ સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ચંડોળા તળાવની સફાઈ માટેના ૮૯ લાખના કોન્ટ્રાક્ટરને મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ માટે સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, છ મહિના માટે કામગીરી સોંપવામાં આવી છે. ત્યાર બાદ મ્યુનિસિપલ કમિશનર રીવ્યુ કરી અને સંતોષકારક કામગીરી હશે તો વધુ છ મહિના માટે તબક્કાવાર કામગીરી સોંપવામાં આવશે. Chandola lake development

કુમાર એજ્યુકેશન સોસાયટી નામના કોન્ટ્રાક્ટરને તળાવ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવને રીડેવલોપમેન્ટ કરવા અંગેની મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ બે ફેઝમાં આખું ચંડોળા તળાવ નવું બનાવવાનું છે, ત્યારે ચંડોળા તળાવમાં મચ્છરો ન થાય અને મચ્છરજન્ય રોગો ન ફેલાય તેના માટે ચંડોળા તળાવને સફાઈ કરવા માટેની વિવાદાસ્પદ દરખાસ્ત મેલેરિયા વિભાગના અધિકારી દ્વારા મૂકવામાં આવી હતી.

ચંડોળા તળાવમાંથી તરતો કચરો/લીલ/વેલ/પાસ તથા તળાવના ઢાળ ઉપરથી બીન જરૂરી વેઝીટેશન દૂર કરી મચ્છરજન્ય રોગ અટકાવવા માટે બે વર્ષ માટે સફાઈ કરવામાં આવશે. જેના માટે રૂપિયા ૮૯ લાખનો ખર્ચ કરાશે.

અત્રે નોંધનીય છે કે ચંડોળા તળાવ ડેવલપમેન્ટ માટે કામ પણ શરૂ થઈ ગયું છે આ ઉપરાંત ચોમાસાની સીઝન દરમિયાન તેમાં જરૂરિયાત મુજબ ખંભાતી કુવા પણ બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે જે કોન્ટ્રાકટરને ડેવલોપમેન્ટનું કામ સોંપવામાં આવ્યું હોય તેની ફરજમાં જ તળાવ સફાઈનું કામ આવે છે તેમ છતાં આશ્ચર્યજનક રીતે હેલ્થ વિભાગે આ કામ માટે ૮૯ લાખના ટેન્ડર મંજુર કરાવ્યા છે.

આ અગાઉ પણ બે વર્ષ માટે તમામ તળાવની સફાઈના ટેન્ડર હેલ્થ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતાં પરંતુ કમિટી ચેરમેને જરૂરિયાત મુજબ જ કામને મંજુરી આપવાનું જણાવી માત્ર પાંચ મહિનાની મુદત માટે ટેન્ડર મંજુર કર્યા હતાં તેથી કોન્ટ્રાકટરના લાભાર્થે આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓએ જુના ટેન્ડરને જ ફરીથી મંજુરી માટે મુકયા હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.