બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ૯ દિવસમાં ચાર્જશીટ અને ૬ માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા

પ્રતિકાત્મક
કેસની તપાસ માટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, ૪૭૦ પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી
ઝડપી અને દાખલારૂપ કામગીરી કરીને ભોગ બનનાર દીકરી અને પરિવારને ન્યાય અપાવનાર વલસાડ પોલીસની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં ૩ વર્ષ અને ૩ મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર ૯ દિવસમાં ૪૭૦ પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી.
આ આરોપીને ૬ માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા નામદાર કોર્ટે ફટકારી છે. ખૂબ જ ઝડપી અને દાખલારૂપ કામગીરી કરીને પીડિતા દીકરી અને તેના પરિવારને ન્યાય અપાવનાર વલસાડ પોલીસની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.
તા. ૨૭મી ઓગષ્ટ ૨૦૨૪ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મના ગંભીર બનાવમાં વલસાડ જિલ્લા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને દાખલા રૂપ સજા કરાવી છે.
આ ઘટનાની જાણ સાંજે ૬ વાગ્યે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં થતાં, પોલીસે તાત્કાલિક ગુનો નોંધી ભોગ બનનાર બાળકીને મેડિકલ સારવાર માટે મોકલી હતી. ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 65(2) તથા પોકસો એક્ટની કલમ 4, 5(એમ), 6, 8 મુજબ નોંધાયો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિરિક્ષક શ્રી પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક શ્રી ડો. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ચુનંદા અધિકારીઓની ટીમો રચી આરોપીને ઝડપી પાડવા સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ગુનો આચરીને પોતાના વતન ઝારખંડ જવા ભાગી ગયો હતો. વલસાડ ક્રાઈમ બ્રાન્ચે માત્ર એક કલાકમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી આરોપીને પકડી પાડ્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એન. દવેની અધ્યક્ષતામાં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર ૯ દિવસમાં ૪૭૦ પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રી અનિલ ત્રિપાઠીએ માત્ર ૬ માસમાં ટ્રાયલ પૂર્ણ કરી મજબૂત પક્ષ રજૂ કર્યો. આજે તા.૨૪મી માર્ચ ૨૦૨૫ના રોજ નામદાર કોર્ટે આરોપીને દોષી જાહેર કરી અંતિમ શ્વાસ સુધીની કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે, તેમજ ભોગ બનનારને રૂ. ૬ લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.
વલસાડ પોલીસે નવા અમલમાં આવેલા ત્રણ કાયદા – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આ પ્રશંસનીય કામગીરી કરી છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની સમગ્ર ટીમને આ ઝડપી અને ન્યાયી કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા છે, અને આ કેસને ગુજરાત પોલીસની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યો છે.