ચાતુર્માસની કથા અને પાળવાના નિયમો કયા છે જાણો છો?
પૌરાણિક કથા અનુસાર અદિતી અને ઋષિ કશ્યપના ત્યાં ભગવાન વામનનો જન્મ થયો.
ચાતુર્માસમાં વર્ષના ચાર મહિના આવે છે શ્રાવણ ભાદરવો આસો અને કારતક. ચાલુ વર્ષે ચાતુર્માસ તા.૧૭-૦૭-૨૦૨૪ થી ૧૫-૦૭-૨૦૨૪ દરમ્યાન આવે છે.આજે આપણે ચાતુર્માસ સાથે જોડાયેલ પૌરાણિક કથા વિશે જાણીશું. પૌરાણિક કથા અનુસાર અદિતી અને ઋષિ કશ્યપના ત્યાં ભગવાન વામનનો જન્મ થયો. વામન બાળપણથી સર્જનાત્મક શક્તિ ધરાવનાર અને સાહસિક પ્રભાવશાળી અતિ બુદ્ધિશાળી હતા.
તેમને લોકજાગૃતિ નિર્માણ કરી. સંસ્કૃતિના વિચારોને લઇને ઘેર ઘેર ગયા,વ્યાપક થયા એટલે વામનમાં વિરાટ બન્યા.પ્રત્યેકમાં રહેલા ભગવાનને જાગૃત કર્યા.લોકોમાં ભગવાન ઉપર પ્રેમ વધવા લાગ્યો.લોકો તેજસ્વી અને દિવ્ય જીવન જીવવા લાગ્યા.
રાજા બલિ એક મહાન દાનવીર,ધાર્મિક અને સાત્વિક શાસક હતા અને પ્રજા તેમને ખુબ પ્રેમ કરતી હતી છતાં તે એક અભિમાની રાક્ષસ હતો.તેમનું રાજ્ય ખુબ જ સમૃદ્ધ હતુ અને પિતામહ પ્રહલાદ અને ગુરૂ શુક્રચાર્યે તેમને વેદોનું જ્ઞાન આપ્યુ હતું પણ તેણે લોકોમાં રહેલી ઇશ્વરનિષ્ઠા અને વેદનિષ્ઠા શિથિલ કરી નાખી.બ્રાહ્મણોને સાંસ્કૃતિક કાર્યોમાંથી દૂર કરીને ફક્ત કર્મકાંડમાં જ રોકી રાખ્યા.
આસુરી વૃત્તિના જડવાદી ક્ષત્રિયોને રાજ્યમાં મહત્વના સ્થાનો આપ્યા.વ્યાપાર ભોગવાદી વૈશ્યોના હાથમાં ગયો.આ રીતે બલિએ ત્રણે વર્ણવ્યવસ્થા ખલાસ કરી નાખી.શિક્ષણ બ્રાહ્મણોના હાથમાંથી લઇને રાજસત્તાને સોપ્યું તેથી શિક્ષણ ક્ષુદ્ર હલકું અને દુર્બળ થયું.સમાજમાંથી ભગવદનિષ્ઠા અને પ્રભુ ઉપરનો પ્રેમ ચાલ્યો ગયો અને પૈસો જ મુખ્ય બન્યો.
રાજા બલિએ ત્રણે લોકો ઉપર અધિકાર કરી લીધો.ગભરાયેલા ઇન્દ્રદેવ તથા અન્ય તમામ દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે સહાયતા માંગી તો શ્રી હરિએ વામન અવતાર ધારણ કર્યો.આ સમય દરમિયાન બલિએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞો પુરા કરી દીધા હતા.માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવોના ઇન્દ્રનો મુકુટ પહેરાવી દેવાનો હતો ત્યાં જ દરબારમાં બાળક સ્વરૂપે શ્રી હરિ વામન સ્વરૂપે પહોંચી ગયા. બલિએ વિનમ્ર થઇને તે બાળકને સિંહાસન પર બેસવા કહ્યું.
બલિએ કહ્યું કે મુનિવર આજના દિવસે હું કોઇ પણ વ્યક્તિને કોઇ પણ દક્ષિણા આપી શકુ છું. આપ ચાહો તે મારી પાસે માંગી શકો છો ત્યારે દાનવાચાર્ય શુક્રાચાર્ય વામન અવતારધારી વિષ્ણુને ઓળખી ગયા.બલિરાજા તેમની છલનાનો ભોગ બનશે એવી આશંકાને લીધે બલિરાજાને ત્રણ ડગલાં ભૂમિનું દાન કરતો અટકાવવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ જતાં દાન આપતા બલિરાજા ઝારીમાંથી દાનસંકલ્પ માટે પાણી લેવાનો પ્રયત્ન કરે
તે પહેલાં તેના નાળચામાં પ્રવેશી જળ આવતું અટકાવવાનો પ્રયત્ન શુક્રાચાર્યે કર્યો પણ વામને દર્ભ-શલાકાથી એ અંતરાય દૂર કરવા જતાં શુક્રાચાર્યનું એક નેત્ર ફૂટી ગયું અને બહાર આવીગયા.શુક્રાચાર્યના પ્રયત્નો બલિરાજાની દાનવીરતા અને વામનની પ્રયુક્તિ સામે નિષ્ફળ નીવડ્યા.
ભગવાન વામને કહ્યું કે મહારાજ મને ત્રણ પગલા જમીન જોઇએ છે ત્યારે બલિએ કહ્યું કે હાં તમે ત્રણ પગલા જમીન માપીને લઇ લો.આટલુ કહેતાની સાથે બટુકનું કદ એટલુ તો વધ્યું કે બલિને તેમના પગ જ દેખાતા હતા.પહેલા પગલામાં તો સમગ્ર પૃથ્વી આવી ગઇ, બીજા પગલામાં આખું આકાશ માપી લીધુ. મહાબલિ આ જોઇને સ્તબ્ધ રહી ગયો.બટુકે કહ્યું કે તમે મને ત્રણ પગલા જમીન આપવાની કહી હતી
અને બીજા પગલામાં તો આકાશ અને ધરતી મપાઇ ગઇ છે હવે તમે કહો હું ત્રીજો પગ ક્યાં મુકું? બલિએ બાળકને કહ્યું કે પ્રભુ હું વચનભંગ કરનારા લોકોમાંથી નથી.તમે ત્રીજો પગ મારા માથા પર મુકો.ભગવાને હસીને ત્રીજો પગ બલિના માથા પર મુક્યો અને તેનાથી બલિ રાજા હંમેશા માટે પાતાળ લોકમાં જતા રહ્યાં. મહાબલિનો વૈભવ ત્રણેય લોકમાંથી સમાપ્ત થયો.
આમ બલિથી ત્રણે લોકો મુક્ત કરાવી શ્રી હરિએ દેવરાજ ઇન્દ્રનો ભય દૂર કર્યો પરંતુ રાજા બલિની દાનશીલતા અને ભક્તિ ભાવ જોઇને ભગવાન વિષ્ણુએ બલિને વરદાન માંગવાનું કહેતાં બલિએ કહ્યું કે આપ મારી સાથે પાતાળમાં ચાલો અને હંમેશાં ત્યાં નિવાસ કરો.ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત બલિની ઇચ્છા પુરી કરી અને પાતાળ ચાલ્યા ગયા જેનાથી તમામ દેવી-દેવતા અને માતા લક્ષ્મીજી ચિંતિત થાય છે.
દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરાવવા એક યુક્તિ વિચારી અને એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરીને રાજા બલિની રાજસભામાં પહોંચે છે.તેમને રાજા બલિને પોતાનો ભાઇ માનીને રાખડી બાંધી અને બદલામાં ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરાવવાનું વચન માંગી લીધું.ભગવાન વિષ્ણુ પોતાના ભક્તને નિરાશ કરવા નહોતા ઇચ્છતા એટલે બલિને વરદાન આપ્યું કે તેઓ અષાઢ સુદ એકાદશીથી કારતક વદ અગિયારશ સુધી પાતાળ લોકમાં નિવાસ કરશે એટલે આ ચાર મહિના દરમ્યાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહે છે.
ચાતુર્માસ દરમ્યાન પાળવાના કેટલાક નિયમો જોઇએ.
આ ચાર મહિના બ્રહ્મચર્યનું પાલન, ત્યાગ, પત્તલમાં ભોજન, ઉપવાસ મૌન જપ ધ્યાન સ્નાન દાન-પુણ્ય વગેરેથી લાભ થાય છે.જે પોતાના પ્રિય ભોગોનું શ્રદ્ધા અને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે તેમની ત્યાગ કરેલી વસ્તુઓ તેને અક્ષયરૂપમાં પ્રાપ્ત થાય છે.ચાતુર્માસમાં ગોળનો ત્યાગ કરવાથી મનુષ્યને મધુરતાની પ્રાપ્તિ થાય છે.તામ્બૂલનો ત્યાગ કરવાથી મનુષ્ય ભોગસામગ્રી સંપન્ન થાય છે અને તેનો કંઠ સુરીલો બને છે.
દહી છોડનાર મનુષ્યને ગોલોક મળે છે.મીઠું છોડનારના તમામ પરોપકાર અને ધર્મ સબંધી કાર્ય સફળ થાય છે.જે મૌનવ્રત ધારણ કરે છે તેની આજ્ઞાનું કોઇ ઉલ્લંઘન કરતું નથી.ચાતુર્માસમાં કાળા લાલ કેસરી અને વાદળી વસ્ત્રનો ત્યાગ કરવો.ચાર મહિના ભૂમિ ઉપર શયન કરવું.અનાર લિંબુ નારિયેલ મરચું અડદ અને ચણાનો ત્યાગ કરવો.
ચાતુર્માસ દરમ્યાન પરનિંદાનો વિશેષરૂપથી ત્યાગ કરવો.પારકી નિંદા સાંભળનાર પણ પાપનો ભાગીદાર થાય છે.તાંબા અને કાંસાના વાસણમાં ભોજન ન કરવું.અન્ય કોઇ પાત્ર ન મળે તો માટીના વાસણ ઉત્તમ કહેવાય છે.દરરોજ એક ટાઇમ જ ભોજન કરનારને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે.જે ધીર મનુષ્ય દરરોજ પરિમિત અન્નનું ભોજન કરે છે તેના તમામ પાપોનો નાશ થાય છે અને વૈકુંઠધામ પામે છે. જે ફક્ત એક જ અન્નનું ભોજન કરે છે તે મનુષ્ય રોગનો ભોગ બનતો નથી.
જે મનુષ્ય ચાતુર્માસમાં ફક્ત દૂધ પી અને ફળ ખાઇને રહે છે તેમના સહસ્ત્રો પાપ તત્કાલ નાશ પામે છે.જે ભગવાન વિષ્ણુ આગળ ઉભા રહીને પુરૂષ સૂક્તનો પાઠ કરે છે તેની બુદ્ધિ વધે છે.ચાતુર્માસ દરમ્યાન ભગવાન નારાયણ યોગનિંદ્રામાં શયન કરે છે એટલે આ ચાર માસ તપસ્યા કરવાના હોવાથી આ સમય દરમ્યાન લગ્ન અને સકામ યજ્ઞ કરવામાં આવતા નથી.ચાતુર્માસ દરમ્યાન યોગાભ્યાસ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે તેને જપનું ચાર ગણું ફળ મળે છે અને તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે.
જે મનુષ્ય નિયમ વ્રત કે જપ વિના ચાર માસ વિતાવે છે તે મહામૂર્ખ છે.ચાતુર્માસ દરમ્યાન વિશેષરૂપે જળની શુદ્ધિ થાય છે.આ સમયે તીર્થ અને નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.નદીઓના સંગમમાં સ્નાન કર્યા પછી પિતૃઓ અને દેવતાઓને તર્પણ કરીને જપ-હોમ વગેરે કરવાથી અનંત ફળની પ્રાપ્તિ થાય છે.જે મનુષ્ય જળમાં તલ અને આંબળાનું મિશ્રણ કરીને અથવા બિલ્વપત્ર નાખીને ઓમ નમઃશિવાયનો ચાર-પાંચવાર જપ કરી તે જળથી સ્નાન કરે છે તેને નિત્ય મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે.
સદધર્મ સત્કથા સત્પુરૂષોની સેવા સંતોના દર્શન ભગવાન વિષ્ણુનું પૂજન વગેરે સત્કર્મોમાં જોડાય છે અને દાનમાં અનુરાગ હોય છે..આ બધી વાતો ચાતુર્માસમાં દુર્લભ બતાવી છે.જે પુરાણો વાંચે છે કે સાંભળે છે,નામ કિર્તન અને જપ કરે છે તે તમામ પાપોથી મુક્ત થઇ ભગવાનના ધામમાં જાય છે. -આલેખનઃ વિનોદભાઈ માછી નિરંકારી નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)