સસ્તા અનાજની દુકાનમાં અચાનક જ પુરવઠા અધિકારીની તપાસથી ખળભળાટ

પંચમહાલના ગદુકપુર ખાતે સસ્તા અનાજની દુકાનમાં તંત્રની તપાસ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નજીક આવેલ ગદુકપૂર ખાતેની સરકારી સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરીને ગેરરીતિ ઝડપી પાડી હતી. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી હરેશ ત્રિકમદાસ મકવાણા દ્વારા પોતાની ટીમ સાથે પંચમહાલ જિલ્લામાં આવેલી વિવિધ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જે અન્વયે ગોધરા નજીક આવેલ ગદુકપૂર સ્થિત સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા સંચાલક દિલીપકુમાર ટી સાવલાણીની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા દુકાનના રેકર્ડ તપાસવામાં આવ્યા હતા, જેમાં અનાજના જથ્થાની કેટલીક ઘટ સામે આવી હતી, જેમાં ઘઉંના ૫૦ કિલોગ્રામ જથ્થાની જ્યારે ચોખાના ૮૯ કિલોગ્રામ જથ્થાની ઘટ સામે આવી હતી, જેને લઇને પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સ્થળ પર જ રેશનકાર્ડધારકોના નિવેદન લેવામાં આવ્યા હતા, જેમાં તેઓને મળવાપાત્ર અનાજનો મળે છે કે કેમ તેની પણ ખરાઈ કરવામાં આવી હતી.