ઈન્સ્ટાગ્રામ થકી દિલજીત દોસાન્જના શોની ટિકિટ આપવાના બહાને ઠગાઈ
મુંબઈ, સરદારનગરની યુવતીને દિલજીત દોસાન્જના લાઈવ પ્રોગ્રામની ટિકિટ ઈન્સ્ટાગ્રામ પર આવેલા મેસેજથી મેળવવાનું ભારે પડ્યું છે. ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયેલા શખ્સે જુદા જુદા સ્કેનર મોકલીને યુવતી પાસેથી ટિકિટના કુલ રૂ. ૬૮,૫૦૦ મેળવી લીધા અને ટિકિટ ન આપીને ઠગાઈ આચરી હતી.
એરપોર્ટ પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો છે.સરદારનગરમાં આયેશા ખટવાની (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે અને ગ્રાફિક્સ ડિઝાઈનર તરીકે નોકરી કરે છે. તેને દિલજીત દોસાન્જના લાઈવ પ્રોગ્રામની ટિકિટ ન મળતા પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડીના પેજ પર મેસેજ કર્યાે હતો કે કોઈની પાસે ટિકિટ હોય તો જાણ કરશો.
ત્યારબાદ અજાણ્યા આઈડીધારકે પોતાની પાસે ટિકિટ હોવાનું જણાવ્યું હતું અને અલગ અલગ સ્કેનર મારફતે યુવતી પાસેથી કુલ રૂ. ૬૮,૫૦૦ મેળવી લીધા હતા.
ટિકિટ મેળવવા મોબાઈલ નંબર અને સરનામું આપ્યું હતું. યુવતી જ્યારે આપેલા સરનામાં પર ટિકિટ લેવા માટે પહોંચી ત્યારે તે સરનામે કોઈ ન હતું અને આપેલા નંબર પર ફોન કરતા કોઈ મહિલાએ ફોન ઉપાડીને રોંગ નંબર કહી ફોન કાપી નાખ્યો હતો. યુવતીએ સાયબર હેલ્પલાઈનમાં જાણ કરી હતી અને એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS