લો બોલોઃ એક જ પરિવારના ત્રણ સભ્યોને નોકરીની લાલચ આપી ઠગાઈ
જૂનાગઢના એક જ પરિવારના ત્રણ સભ્ય સાથે નોકરીની લાલચ આપી ૧૬ લાખની છેતરપિંડી-અમદાવાદ-ગાંધીનગરના ૩ શખ્સો સામે ફરિયાદ દાખલ
જૂનાગઢ, જૂનાગઢના એક જ પરિવારના ત્રણ સભ્યોને નોકરીની લાલચ આપી અમદાવાદ, ગાંધીનગરના ત્રણ શખસોએ રૂ.૧૬ લાખ ઓળવી જઈ છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ જૂનાગઢના અને અત્યારે અમદાવાદ રહેતી પ્રિયંકાબેન પ્રતિકભાઈ ભૂત તથા તેના દિયર નિરવ અને ઋષીને વપાસીના અનિલ પરમાર, અમદાવાદના ઘનશ્યામ પટેલ અને ગાંધીનગરના ભૂરાભાઈએ લોકરક્ષક અથવા નાયબ ચીટનીશ તરીકે નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂ.ર૧ લાખ ત્રણ વર્ષ પહેલા લીધા હતા
પરંતુ નોકરીના કોઈ ઠેકાણા ન દેખાતા પ્રિયંકાબેને ત્રણેય શખ્સો પાસે નોકરી અંગે વારંવાર ઉઘરાણી કરતા લોકડાઉનના બહાના બતાવ્યા હતા.
વર્ષો વિતવા છતાં નોકરીના અરમાનો પૂર્ણ ન થતા નોકરી ન અપાવી શકો તો નાણાં પરત કરવા માગ શરૂ કરી હતી. આ ઉઘરાણી શરૂ થતા ત્રિપુટીએ રૂ.પાંચ લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂ.૧૬ લાખની ઉઘરાણી કરવા છતાં વાયદા સિવાય કશું ન મળતા અંતે પ્રિયંકાબેન ભૂતે જૂનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસમાં ત્રણેય સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.