બાનાખત પેટે લીધેલા 1.60 કરોડ પાછા પણ નહીં આપું અને 20 લાખ ખર્ચી મર્ડર કરાવી દઈશ
ગાંધીનગરમાં ગુંડાગીરીઃ ૧.૬૦ કરોડ પરત કરવાને બદલે ર૦ લાખમાં હત્યાની ધમકી -ઈન્ફોસિટીમાં દુકાન અને સે.૩માં મકાનને બાનાખત કર્યા બાદ અન્યને વેચી માર્યું
ગાંધીનગર, ગાંધીનગરમાં દુકાન અને મકાનનું બાનાખત કર્યા પછી બારોબાર અન્યને વેચી દેવાતા બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. રૂ.૧.૬૦ કરોડ લઈને મકાનનું બાનાખત કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં આ રકમ પરત કરાઈ ન હતી. એટલું જ નહી, બાનાખત પેટે આપેલા નાણાં પરત માગતા રૂ.૧.૬૦ કરોડ પરત કરવાના બદલે રૂ.ર૦ લાખ આપીને મર્ડર કરાવી દેવાની ધમકી મળી હતી.
સે-૩ એ ન્યૂ ખાતે રહેતા જીગર વિઠ્ઠલદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, પડોશી હોવાના કારણે તેઓ રસીકભાઈ જયસ્વાલને ઓળખતા હતા. રસિકભાઈ ફાઈનાન્સ કંપની ચલાવી લોકોને લોન આપતા હતા અને તેમની ઓફિસ ઈન્ફોસિટી સુપરમોલ-૧માં આવેલી હતી. આ ઓફિસ પર જીગરભાઈ અવાર-નવાર બેસતા હતા. ફાઈનાન્સના ધંધા માટે રૂપિયાની જરૂર હોવાનું કહીને રસિકભાઈએ હાથ ઉછીના પેટે રૂ.૯ર.પ૦ લાખ લીધા હતા અને તેના નોટરાઈઝડ લખાણ પણ થયા હતા.
બાદમાં રસિકભાઈએ ઈન્ફોસ્ટીવાળી દુકાન રૂ.એક કરોડમાં વેચવાની તૈયારી બતાવી હતી. દુકાન પેટે રૂ.એક કરોડ રોકડ-ચેકમાં આપ્યા બાદ રસિકભાઈએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. પોતાને જરૂર હોવાથી રસિકભાઈએ બાદમાં રૂ.એક લાખના ભાડે આ દુકાન રાખી હતી.
રસિકભાઈએ દુકાનના સોદા પેટેનો ચેક વટાવ્યો ન હતો તેમને ફરીથી નાણાની જરૂર પડતાં રૂ.૮૦ લાખમાં સે-૩ ડી ખાતે આવેલા તેમના મકાનનો સોદો થયો હતો. આ પૈકી રૂ.પપ લાખ રોકડા આપીને જીગરભાઈ તથા ભરતભાઈ રબારીના નામનો બાનાખત કરવામાં આવ્યો હતો.
મકાન અને દુકાન પેટે રૂ.૩.ર૦ કરોડ નકકી થયા હતા. આ પૈકી રસિકભાઈએ રૂ.૧.૬૦ કરોડ અલગ-અલગ તબકકે લીધા હતા. મકાનનો બાનાખત થયો હોવા છતાં તેને કેન્સલ કર્યા વગર અન્ય વ્યક્તિ સાથે વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનની ચાવી પરત લીધા બાદ અસલ બાનાખત પણ પરત આપ્યો ન હતો. આ મામલે જીગરભાઈએ પરત માગ્યા હતા.
આ સમયે રસીકભાઈએ જણાવ્યું હતું કે રૂ.૧.૬૦ કરોડ પરત કરવાના બદલે રૂ.ર૦ લાખમાં તારું મર્ડર કરાવી દઈશ અને તારા દીકરાનું અપહરણ કરાવીશ. વિશ્વાસઘાત અને ધમકી આપવાના મામલે રસિકભાઈ જયસ્વાલ તથા મકાન ખરીદનારા જયકુમાર રાજેન્દ્રભાઈ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.