ખોટા કવોટેશન પર લોન લઈ રૂ.૭૭ લાખ વાપરી નાંખ્યા, ચાર ઝડપાયા
આરોપીઓએ એક વેપારીના ત્યાં મળીને પ્લાનિંગ કર્યું હતું
(એજન્સી)અમદાવાદ, એમએસએમઈ યોજના હેઠળ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસે બિઝનેસ શરૂ કરવા લોનના બહાને છેતરપિંડી કરવામાં આવી હતી. ચાર શખ્સોએ મશીનરીની ખરીદી માટે લોનના નાણાં મેળવીને વ્યક્તિગત ઉપયોગ માટે રૂ.૭૭ લાખ ખર્ચી નાંખ્યા હતા.
ખોટા કવોટેશન રજૂ કરીને એક કરોડ રૂપિયાની લોન લઈને છેતરપિંડી કરનાર લોકો સામે બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
શાહીબાગમાં રહેતા કુટ્ટન વેલાયુધન રિલીફ રોડની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં મેનેજર છે. ગત જૂન-જુલાઈમાં અરૂણ ભક્કડ નામના વ્યક્તિએ નીરજ મેવાડાની તીર્થ એન્ટરપ્રાઈઝ કંપનીના નામે એક કરોડની મશીનરી લોન મેળવવા એમએસએમઈ યોજના હેઠળ અરજી કરી હતી. અરજી સાથે સીએમએ ફોર્મ તેમજ નીરજ મેવાડાના તથા તીર્થ એન્ટરપ્રાઈઝ કેવાયસી તથા દિલીપ એન્જિનિયર્સ નામની કંપનીનું ૧.૦૧ કરોડ મશીનરીનું કવોટેશન વગેરે જેવા ડોક્યુમેન્ટ સાથેની ફાઈલ બેન્કમાં આપી હતી.
બાદમાં એક કરોડ રૂપિયાની લોન એપ્રૂવ થઈ હતી. થોડા સમય બાદ નીરજ મેવાડાએ બેન્કને લેટર મોકલીને જણાવ્યું હતું કે, લોન પૂરી કરી દેવી છે, પરંતુ ૬૦થી ૯૦ દિવસનો સમય આપો. પરંતુ બેન્ક દ્વારા ગાઈડલાઈન મુજબ આટલો સમય આપી શકાય તેમ નહોતો. સાથે બેન્ક દ્વારા ૭ દિવસમાં લોન ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી હતી.
બેન્ક દ્વારા તેમની કંપનીમાં જઈને તપાસ કરાતા કંપનીમાં મશીન નહોતા. જેથી બેન્ક દ્વારા જે લોન આપવામાં આવી હતી તે બેન્ક લોન મશીન માટે નહીં પરંતુ પોતાના સ્વખર્ચે માટે વાપર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બેન્ક મેનેજરે ફરિયાદ આપતાં આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી નીરજ મેવાડા, અરૂણ ભક્કડ, દિલીપ પંચાલ અને હિતેશ ક્ષત્રિયની ધરપકડ કરી છે.