Western Times News

Gujarati News

વિઝાના બહાને ૩૫ થી વધુ લોકો સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરનાર રાજકોટથી ઝડ૫ાયા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચમાં વિદેશ મોકલવા અને કાયમી વિદેશમાં રહેવા વિઝા સહિત વિવિધ લોભામણી લાલચ આપી બોગસ વિઝાઓ તથા અન્ય બોગસ દસ્તાવેજો બનાવી ૩૫ થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર અને શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઈન્ટરનેશનલ એજ્યુકેશન નામની વિઝા કન્સલટન્સી ઓફિસની આડમાં સાડા ત્રણ કરોડની છેતરપિંડીનું ફેલેકુ ફેરવી ફરાર ભેજાબાજ પિતા – પુત્રની ભરૂચ એલસીબી પોલીસે રાજકોટ માંથી ઘરપકડ કરી લાવી છેતરપિંડીનો ગુનો ઉકેલી નાંખ્યો છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઈન્ટરનેશનલ એજ્યુકેશન નામની વિઝા કન્સલટન્સી ઓફિસ ખોલી તેમાં ગ્રાહકોને વિદેશમાં નોકરી,વિઝા,કાયમી રહેવાની સગવડ સહિતની વિવિધ લોભામણી લાલચ આપી ૩૫ થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના મામલે ભોગ બનનાર ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલાની તપાસ ભરૂચ એલસીબી પોલીસ કરી રહી હતી.

સમગ્ર ગુનાની તપાસ માં એલસીબી પીઆઈ એમ પી વાળા સહિત તેમની ટીમ ગુનાના આરોપીઓ નું પગેરું મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા અને હ્યુમન સોર્સ ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે તપાસ કરતા ગુનાના આરોપી ભાવિન પંકજ પરમાર તથા સાવકા પિતા ગુણવંત નગીન કવૈયા નાઓ એ સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરી રાજકોટ શહેરમાં સંતાયા હોવાની બાતમીના આધારે

એલસીબી ની ટીમે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પાંચ દિવસ ધામા નાંખી અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વેશ ધારણ કરી રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં તપાસ કરી આરોપી ભાવિન પરમાર અને ગુણવંત કવૈયાને ઝડપી પાડી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે.

જે તે સમયે ફરિયાદીએ એરપોર્ટ પરથી પરત ફરી છેતરપિંડીની ૬૩ લાખની ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ બાદ અન્ય ભોગ બનેલા ૩૫ થી વધુ લોકો તપાસમાં સામે આવતા ભેજાબાજોએ કુલ સાડા ત્રણ કરોડ ઉપરાંતની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.