પુત્રવધૂ સસરાનું મકાન વેચી ર૯ લાખ લઈ ફરાર
સસરાએ મેઘાણીનગર પોલીસ મથકે પુત્રવધૂ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
(એજન્સી)અમદાવાદ, લૂંટેરી દુલ્હનના કિસ્સા તો સાંભળ્યા હશે પરંતુ લૂંટેરી પુત્રવધૂનો કિસ્સો પહેલી વખત સામે આવ્યો હશે. મેઘાણીનગર વિસ્તારમાં રહેતી બે બાળકોની માતાએ દિકરાઓ મોટા થઈ ગયા છે, ઘરમાં રહેવાની અગવડ પડી રહે છે તેમ કહીને સસરાનું મકાન વેચીને બીજું નવું મકાન લઈને વેચેલા મકાનના રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ હતી.
મેઘાણીનગરમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારી રહેલા ૮૬ વર્ષના માલીરામ જાંગીડના પુત્ર મહેશના વર્ષ ર૦૦૦માં રાજસ્થાનની રજનીબેન શર્મા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પિતાએ મેઘાણીનગરનું મકાન પુત્ર અને પુત્રવધૂને રહેવા આપ્યું હતું. ત્યારબાદ સસરા-સાસુ ગામડે રહેવા જતા રહ્યા હતા. ર૦ર૩માં હોળીનો તહેવાર હોવાથી માલીરામનો પુત્ર અને તેમની પુત્રવધૂ ગામડે તહેવાર કરવા માટે આવ્યા હતા.
આ સમયે પુત્રવધૂએ સસરાને વાત કરી કે હવે અમારા છોકરાઓ મોટા થઈ ગયા છે અને મેઘાણીનગરના મકાનમાં રહેવાની ઘણી અગવડતા પડી રહી છે માટે આ મકાન વેચીને બીજું મોટું મકાન લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. પુત્રવધૂની વાતનો સ્વીકાર કરીને સસરાએ મકાન વેચવાની મંજૂરી આપી દીધી હતી. મુકેશ ઓઝા નામના વ્યક્તિને રૂ.ર૩ લાખમાં મકાન વેચી દેવામાં આવ્યું હતું.
સસરાએ પુત્ર મહેશ પાસે મકાન વેચાણનો હિસાબ માંગતા તેણે પત્ની રજની પાસે છે તેમ જણાવ્યું હતું. સસરાએ પુત્રવધૂ પાસે હિસાબ માંગતા ગલ્લાતલ્લાં કર્યા હતા. નરોડામાં નવું મકાન ખરીદયું તેમાં રૂપિયા ભર્યા છે તેમ જણાવ્યું હતું. બાદ મહેશે પણ પત્ની પાસે હિસાબ માંગતા યોગ્ય જવાબ આપ્યો ન હતો. બાદમાં સસરા અને પતિએ તપાસ કરતા નવા ઘરમાં રૂ.૭ લાખ ભર્યા હતા અને બાકીના રૂપિયાનો હિસાબ મળ્યો ન હતો.
૧૦ એપ્રિલે રજનીબેન કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી જેથી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. મહિના બાદ રજનીબેન પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પતિ સાથે રહેવા તૈયાર નથી તેમ જણાવ્યું હતું જેથી માલીરામ અને મહેશને કંઈક ખોટું થયાની શંકા જતાં તપાસ કરતાં રજનીએ સોના-ચાંદીના દાગીના અને મકાનના રૂપિયા સહિત કુલ રૂ.ર૮.૯૮ લાખ લઈને જતી રહી હતી અને તમામ સંબંધ તોડી નાંખ્યા હતા.