સેવા નિવૃત્ત શિક્ષક કર્મચારીઓને નિવૃતિ સેવા વિષયક લાભ અંગે ચેક વિતરણ કરવામાં આવ્યા
(પ્રતિનિધિ) નડિયાદ, સરકારશ્રી હસ્તકના વિવિધ વિભાગો હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધિકારીઓને સરકારી સેવાઓમાં વયનિવૃત્ત અથવા અવસાનના સંજોગોમાં તેઓને વિવિધ સેવા વિષયક જેવા કે, પેન્શન/કુટુંબ પેન્શન, એન.પી.એસ., રજા પગાર, જી.પી.એફ., જૂથ વિમો, ઉચ્ચક નાણાંકીય સહાય, આકસ્મિક અવસાન અંગે કર્મચારી કલ્યાણ નિધિ વિગેરે લાભો મળવાપાત્ર થાય છે.
ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ હસ્તક આવતી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા કેટલાંક સેવા નિવૃત્ત શિક્ષક કર્મચારીઓએ તેઓના ઘણાં સમયથી પડતર સેવા વિષયક કેસોના નિકાલ માટે સમીક્ષા બેઠક યોજી બાકી ચુકવણાં અંગે આયોજન કરવામાં આવેલ. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં ૧૫ જેટલા શિક્ષકો અને તેમના સ્વજનોને રૂબરૂમાં નિવૃતિ સેવા વિષયક લાભ અંગે ચેક વિતરણ કરવામાં આવ્યુ હતુ.
અત્યાર સુધીમાં કુલ પડતર ૬૦૦ કેસોની ચૂકવણા કામગીરીની પ્રાથમિકતા આપી ઝુંબેશના ભાગરૂપે આશરે ૨૫૦ જેટલા પડતર કેસોનો ટૂંક જ સમયમાં નિકાલ કરી અને અંદાજીત રૂ.૧૨ કરોડનું ચુકવણું કરેલ છે. અને બાકીના કેસોની નિકાલની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નિવૃત કર્મચારીઓના વિવિધ સેવા વિષયક પડતર કેસ બાબતે સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા સુચન કર્યુ હતુ. આ અવસરે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત સંબધિત વિભાગના અધિકારીઓ, વય નિવૃત શિક્ષકો અને તેમના પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા.