Western Times News

Gujarati News

ગુજરાતમાં કેમિકલ ક્ષેત્રે રૂ. 34,733 કરોડના પ્રસ્તાવિત રોકાણો કરવામાં આવશે

VGGS 2024: ‘પેટ્રો કેપિટલ’ ગુજરાત 23 ડિસેમ્બર, 2023ના રોજ કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-સમિટ સેમિનાર યોજાશે : મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી

ભરૂચ ખાતે ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી’ થીમ પર ચર્ચા કરવામાં આવશે

મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી એ જણાવ્યું છે કે,10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર 23 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારનો ઉદ્દેશ વિશ્વભરના પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાતોને ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. Chemical sector in Gujarat Rs. 34,733 crore proposed investments to be made

તેમણે આ સેમિનારની વિગતો આપતા કહ્યું કે,ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારત સરકારના માનનીય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSMEs), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, ગુજરાત સરકારના માનનીય ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ કાર્યક્રમને સંબોધિત કરશે.

આ ઉપરાંત, અન્ય મહાનુભાવો પણ કાર્યક્રમને સંબોધિત કરશે, જેમાં GNFC ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પંકજ જોષી (IAS), દીપક ગ્રુપના શ્રી દીપક મહેતા, યુપીએલ (UPL) લિ.ના શ્રી જય શ્રોફ, CII ગુજરાત રાજ્યના તાત્કાલિક ભૂતપૂર્વ ચેરમેન અને અનુપમ રસાયણ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આનંદ દેસાઇ, ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાદના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા (IAS), DGFT ના જોઇન્ટ ડાયરેક્ટર શ્રી આશિષકુમાર દાસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના ચેરમેન શ્રી આર.બી. બારડનો સમાવેશ થાય છે.

શ્રી જોષી એ ઉમેર્યું કે,રાજ્યમાં મોટા પાયાના કેમિકલ અને પેટ્રોકેમિકલ એકમોની હાજરી, વ્યૂહાત્મક રીતે ફાયદાકારક સ્થાન તેમજ મજબૂત ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સને કારણે ગુજરાતને ભારતના “પેટ્રો કેપિટલ” તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં, રાજ્ય કેમિકલ્સના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં લગભગ 35% યોગદાન આપે છે, જે ભારતમાં કેમિકલ્સના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય તરીકેની તેની સ્થિતિને મજબૂત બનાવે છે.  આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન ભરૂચ ખાતે થઈ રહયુ છે, જે ગુજરાતનું ઈન્ડસ્ટ્રીયલ હબ છે. તેની આસપાસ અંકલેશ્વર જીઆઈડીસી, ઝગડિયા જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી અને પાનોલી જીઆઈડીસી આવેલ છે.

વિશ્વ અને દેશની પેટ્રો કેમિકલ ઈન્ડસ્ટ્રી અંગે વાત કરતા તેમણે જણાવ્યુ કે, વિશ્વની કેમિકલ ઈન્ડસ્ટ્રીનું મુલ્ય લગભગ 5 ટ્રિલિયન ડોલર (5000 બિલીયન) છે. જેમાં આજે ભારતની કેમિકલ ઈન્ડસ્ટ્રીનું મુલ્ય 200 બિલીયન ડોલર છે, અને વર્ષ 2040 સુધીમાં તે લગભગ 1 ટ્રીલીયન ડોલર સુધી પહોચવાનો અંદાજ છે. ભારતમાં 80,000 પ્રકારના કેમિકલનું ઉત્પાદન થાય છે. કેમિકલ અને પેટ્રો કેમિકલ ક્ષેત્રે ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે અને એશિયામાં ચોથા ક્રમે અગ્રસર છે અને કેમિકલની નિકાસમાં અગીયારમાં સૌથી મોટા રાષ્ટ્ર તરીકે સ્થાન ધરાવે છે.

આ સેમિનારનો ઉદ્દેશ્ય પ્રતિષ્ઠિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે.

તેમણે કહ્યું કે,કાર્યક્રમની શરૂઆત GNFC ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પંકજ જોષી (IAS) ના સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવશે, અને ત્યારબાદ ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSMEs), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને ગુજરાત સરકારના માનનીય ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ કાર્યક્રમમાં વિશેષ સંબોધન આપશે.

ભારત સરકારના માનનીય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા દ્વારા મુખ્ય સંબોધન બાદ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન સંબોધન કરશે. દીપક ગ્રુપના શ્રી દીપક મેહતા અને યુપીએલ લિ.ના શ્રી જય શ્રોફ ગુજરાતમાં રોકાણો અંગેના તેમના અનુભવો શેર કરશે. CII ગુજરાત રાજ્યના તાત્કાલિક ભૂતપૂર્વ ચેરમેન અને અનુપમ રસાયણ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા આભારવિધિ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે,આ પ્રિ-સમિટ સેમિનારમાં ‘ગુજરાત @2047: સસ્ટેનેબલ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્યનું ચાર્ટિંગ’ વિષય પર એક સત્ર યોજાશે, જેમાં આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ આ ક્ષેત્ર માટે લાંબાગાળાના વિઝન પર ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચાઓમાં ગુજરાતને ગ્લોબલ લીડર તરીકે સ્થાપિત કરવા માટે ટકાઉ વૃદ્ધિ, તકનીકી પ્રગતિ, પોલિસી ફ્રેમવર્ક અને વૈશ્વિક સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. અન્ય સત્રોમાં, ‘તકનીકી વિનિમય માટે વૈશ્વિક ભાગીદારી’,

જે તકનીકી પ્રગતિઓ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મૂકે છે તેમજ ‘નિકાસની ક્ષમતાઓ અને આંતરરાષ્ટ્રીય બજારો માટેની વ્યૂહરચના’, જે સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેવા સત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ક્લોર-આલ્કલીની વિકાસ ક્ષમતાઓ, જે ગુજરાતને આંતરરાષ્ટ્રીય કેમિકલ હબ તરીકે સ્થાપિત કરે છે, તેમજ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે ટકાઉ ટેક્નોલોજીઓ અને કેમિકલ્સ ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે.

પેટ્રો ઇન્ડસ્ટ્રી લીડર્સમાં અમી ઓર્ગેનિક્સ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નરેશ પટેલ, રોકવેલ ઓટોમેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિલીપ સાહની, મેઘમણી ઓર્ગેનિક્સ લિ.ના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી જયંતી પટેલ, EY ઇન્ડિયાના નેશનલ લીડર કેમિકલ શ્રીમતી આશિષ કાસદ, BIS ના ડાયરેક્ટર અને હેડ શ્રી સુમિત સેંગર, યુપીલ લિ.ના ચેરમેન અને ગ્રુપ સીઇઓ શ્રી જય શ્રોફ, એન્જિનિયર્સ ઇન્ડિયા લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી વર્તિકા શુક્લા અને રિફાઇનરી-નયારા એનર્જીના ચેરમેન અને હેડ શ્રી પ્રસાદ પાનીકરનો સમાવેશ થાય છે, જેઓ સમિટ દરમિયાન થનારી ચર્ચાઓમાં હિસ્સો લેશે.

કેમિકલ્સ સેક્ટરમાં રોકાણ કરવા માટે સાત કંપનીઓ દ્વારા થનારા પ્રસ્તાવિત રોકાણોમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડનો સમાવેશ થાય છે, જે ₹5694 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, ત્યારબાદ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જે ₹5000 કરોડના રોકાણ કરવા માંગે છે. દીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ₹ 1956 કરોડનું રોકાણ કરવા માંગે છે,

જ્યારે પેટ્રોનેટ LNG ₹ 21,358નું નોંધપાત્ર પ્રસ્તાવિત રોકાણ કરવા માંગે છે. વધુમાં, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ ₹300 કરોડ, બીઝાસન ₹250 કરોડ અને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ ₹175 કરોડના રોકાણ કરવાની ઇચ્છા ધરાવે છે. આમ, રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડના રોકાણ થવા જઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત એ એક દ્વિવાર્ષિક ગ્લોબલ બિઝનેસ સમિટ છે, જે 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતમાં યોજાવાની છે. આ સમિટ રોકાણની તકોને એક્સપ્લોર કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભાગીદારી સ્થાપિત કરવા માટે બિઝનેસીસ અને સરકારો માટે પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ ઈવેન્ટ ગુજરાતની આર્થિક ક્ષમતા અને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓને પ્રોત્સાહન આપવા માટેની રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.