આંબલી-બોપલ રોડના ચેતક TVSને ગંદકી કરવા બદલ સીલ કરી દેવાયું
બોડકદેવ વોર્ડના ચાર એકમોને ગંદકી કરવા બદલ સીલ કરી દેવાયાં -એકજ દિવસમાં રૂ. ૧,૩૪,૫૦૦નો દંડ પણ વસૂલવામાં આવ્યો
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે સઘન ઝુંબેશ ચલાવાઈ રહી છે. ખાસ કરીને શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રોજે રોજ ચેકિંગ અને કડક કાર્યવાહી કરીને જાહેરમાં ગંદકી કે ન્યૂસન્સ કરતા ધંધાકીય એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
જાહેરમાં કચરો ફેંકી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બેદરકાર ધંધાર્થીઓના ધંધાકીય એકમને સીલ મારી દેવા સુધીની આકરી કાર્યવાહી પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન, ગઈકાલે ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલા ચાર ધંધાકીય એકમોને ગંદકી કરવા બદલ તંત્ર દ્વારા સીલ કરી દેવાતા આ પ્રકારનું કૃત્યક રતાં ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સ્કવોડ વાન બોડકદેવ વોર્ડમાં ત્રાટકી હતી. આંબલી-બોપલ રોડના બીઆરટીએસ રુટ નજીકના ચેતક ટીવીએસ, વાળીનાથ ચોક પાસેના કર્ણાવતી મેડિકલ સ્ટોર, મેમનગરના જાદવનગર ખાતે આવેલા રાજસ્થાન હેર આર્ટ અને સાંઈ બાબા મંદિર નજીકના મોકા રેસ્ટોરાં પાસેના પ્રથમ કાર્ગાે કુરિયર સેવા એમ કુલ ચાર ધંધાકીય એકમોને જાહેર રોડ પર ગંદકી કરવા બદલ તાળાં મારી દેવામાં આવ્યા હતા.
સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરતાં ધંધાકીય એકમોની ભાળ મેળવવા માટે કુલ ૧૪૨ જેટલા એકમોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૧૩ એકમોને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૧૫.૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને તંત્ર દ્વારા કસૂરવાર ધંધાર્થીઓ પાસેથી એકજ દિવસમાં રૂ. ૧,૩૪,૫૦૦નો આકરો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.