વિકીની ‘છાવા’ છવાઈ, આ વર્ષની સૌથી મોટી હિટ બનવાના માર્ગે

મુંબઈ, વિકી કૌશલની ‘છાવા’ રિલીઝ થઈ ગઈ છે અને ઇન્ડસ્ટ્રીનો દુષ્કાળ દૂર કરવાની તૈયારી થઈ ગઈ છે. ૧૪ ફેબ્›આરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ ૨૦૨૫ની સૌથી વધુ કમાણી સાથે ધમાકેદાર શરૂઆત કરનારી ફિલ્મ બની ગઈ છે. સાથે જ આ ફિલ્મે વિકી કૌશલની આગળની છ ફિલ્મોનો કમાણીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
સેકનિકના આંકડાઓ મુજબ લક્ષ્મણ ઉટેકરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં ૩૧ કરોડની કમાણી કરી છે. ત્યાર બાદ શુક્રવારે સાંજે ફિલ્મના પ્રોડ્યુસર મેડોક્સ ફિલ્મ્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ફિલ્મે પહેલા દિવસે ૩૩.૧ કરોડની કમાણી કરી છે.
બીજા દિવસે રૂ.૩૭ કરોડની આવક થઈ હતી. પ્રોડ્યુસરે એવું પણ જાહેર કર્યું છે કે ફિલ્મે પહેલા દિવસે વર્લ્ડ વાઇડ ૫૦ કરોડની કમાણી કરી છે. પહેલા વીકેન્ડમાં જ રૂ.૧૫૦ કરોડના અંદાજિત વર્લ્ડવાઈડ કલેક્શન સાથે આ ફિલ્મ વિકી કૌશલની કરિઅરની પણ સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.
આ પહેલાં અક્ષય કુમારની સ્કાય ફોર્સ સૌથી મોટી હિન્દી ઓપનર હતી, જેણે ૧૫.૩ કરોડની કમાણી થઈ હતી. જોકે, કેટલાંક એનાલિસ્ટ દ્વારા આ ફિલ્મના મેકર્સ પર બ્લોક બૂકિંગનો પણ આક્ષેપ હતો. જેમાં પ્રોડ્યુસર જ આંકડાઓ વધારવા માટે ઘણી ટિકિટ ખરીદી લે.
આ ફિલ્મે કુલ ૧૧૧ કરોડની કમાણી કરી હતી.‘છાવા’ રિલીઝ થઈ તે પહેલાં વિકીની ‘બૅડ ન્યુઝ’ તેની કારકિર્દીની સૌથી મોટી ઓપનર હતી. આ ફિલ્મે પહેલાં દિવસે ૮ કરોડની કમાણી કરી હતી. આ દૃષ્ટિએ જોઈએ તો વિકીની અગાઉની છ ફિલ્મોની પહેલા દિવસની આવકનો સરવાળો કરીએ તો પણ છાવાને ચડી શકે તેમ નથી.
‘સામ બહાદુર’ની કમાણી ૫ કરોડ હતી, ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ ૧ કરોડ, ‘ઝરા હટકે ઝરા બચકે’ ૫ કરોડ, ‘ભૂત – ૧ – ધ હોન્ટેડ શિપ’ ૫ કરોડ તેમજ ‘ઉરી’ની ૮ કરોડની કમાણી રહી હતી.
શુક્રવારે રિલીઝ થયેલી છાવાના મુંબઈની આસપાસના વિસ્તારોમાં ૧૩૦૦ શો હતા, તેમાં લગભગ ૪૨ ટકા હાજરી નોંધાઈ હતી. જો દિલ્હી-એનસીઆર વિસ્તારની વાત કરવામાં આવે તો પહેલાં દિવસે ૧૩૦૦ શો હતા, તેમાં લગભગ ૨૭ ટકા હાજરી હતી.જોકે, છાવા સામે હાલ માર્વેલ સિરીઝની ફિલ્મ ‘કેપ્ટન અમેરિકાઃ બ્રેવ ન્યુ વર્લ્ડ’ સાથે ટક્કર છે.
આ ફિલ્મે પહેલાં દિવસે ભારતમાં ઇંગ્લિશ, તમિલ, તેલુગુ અને હિન્દી વર્ઝનમાંથી ૪.૩ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને દુનિયાભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. છતાં સામાન્ય રીતે માર્વેલની ફિલ્મો બાબતે માર્વેલ ફૅન્સમાં જેટલો ઉત્સાહ જોવા મળે છે, તેટલો ઉત્સાહ આ ફિલ્મ માટે જણાતો નથી.
તેથી આ ફિલ્મ ‘છાવા’ સામે ટક્કર કે ખતરો સાબિત થાય તેવું લાગતું નથી. હવે આગામી દિવસોમાં ‘છાવા’ની દહાડ કેટલી દૂર પહોંચે છે તે જોવાનું રહ્યું.SS1MS