Western Times News

Gujarati News

કોલેરાગ્રસ્ત ઉમરેઠમાં ઝાડા-ઉલટીના વધુ ર૩ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું

પ્રતિકાત્મક

દૂષિત પાણીને કારણે વાવર વકર્યો, આરોગ્ય વિભાગની ૧૬ ટીમો દ્વારા સર્વે સહિતની કામગીરી

આણંદ, ગત સપ્તાહે ઉમરેઠના અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં પ્રથમ તબકકે ૮૩ જેટલા કેસો નોંધાયા હતા. બીજા તબકકામાં પણ ૪૦ જેટલા દર્દીઓને અસર થઈ હતી. જેમાં બે કસ કોલેરા પોઝિટીવ નીકળતા ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

શુક્રવારે વધુ ર૩ કેસો મળી આવતા જિલ્લા આરોગ્ય સહિતની ટીમ ઉમરેઠમાં ઉતરી પડી છે. આ રોગચાળો દૂષિત પાણીને કારણે ફેલાયો હોવાનું જણાઈ આવતા પીવાના પાણીના પાઈપલાઈન લીકેજ શોધી તેને સમારકામ માટે ન.પાલિકા તંત્રને આદેશ અપાયા છે.

ઉમરેઠ તાલુકામાં રોગચાળા અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમાર, જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. રાજેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. દર્શિત પટેલ દ્વારા વડાબજાર, ગોલવાડ, ભગવાન વગો, ખાટકીવાડ, કાજીવાડો અને જાગનાથ ભાગોળ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની અને સામુહિક આરોગ્ય કેન્દ્ર,

ઉમરેઠ ખાતે દાખલ દર્દીઓની મુલાકાત લઈ આરોગ્ય વિભાગની ટીમોને રોગચાળા અટકાયતી અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. પાલિકાને પીવાના પાણીની પાઈપલાઈનમાં મળેલા લીકેજને તાત્કાલિક રીપેર કરવા અંગે સૂચના આપી હીત.

ઉમરેઠના અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ ર૩ જેટલા ઝાડા-ઉલ્ટીના નવા કેસો જોવા મળ્યા છે જેમાંથી ૧૦ કેસોમાં સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી છે. ૧૩ જેટલાં દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી સારવાર અપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ૧૬ ટીમો દ્વારા ૭૬ ઓ.આર.એસ. પેકેટ તથા ૧૧૦ જેટલી કલોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ રોગચાળો પીવાના પાણીની પાઈપલાઈનમાં લીકેજ હોવાથી ફેલાયો હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને કોલેરાથી બચવા અને કોલેરાના જંતુઓને અટકાવવા માટે કેટલાક પગલાઓ અનુસરવા જણાવ્યું છે. વિવિધ તકેદારીના પગલા અંગે તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.