આ છે બોડેલીના પાણેજનો ભૂવો જેણે 5 વર્ષની બાળકીની બલી ચઢાવી

બોડેલીના પાણેજ ગામે ભૂવાએ બાળકીનો બલિ ચઢાવ્યો-ભુવાના રાક્ષસી કૃત્યથી સમગ્ર પંથકમાં રોષની લાગણી
(એજન્સી)બોડેલી, રાજ્યમાંથી અંધશ્રદ્ધા ડામવા માટે સરકાર દ્વારા કડક પગલા ભરવાનો નિર્ણય કરાયો છે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધાના કારણે લોકો જાતજાતના નુસ્ખા અજમાવતા હોય છે જેમાં ઘણી વખત બાળકોને ડામ આપવા સહિતના રાક્ષસી કૃત્યો આચરવામાં આવે છે.
અંધશ્રદ્ધાએ બોડેલીના પાણેજ ગામે એક બાળકીનો ભોગ લઈ લીધો છે જેમાં ભૂવાએ આ બાળકીનું બલિ ચઢાવ્યો હોય તેવું મનાઈ રહ્યું છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. બીજી બાજુ ઘટનાની જાણ થતાં પોલીસે પણ આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક વિધિના નામે બાળકીની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાણેજ ગામમાં આરોપી તાંત્રિક લાલુ તડવી બાળકીના ઘરની સામે જ રહેતો હતો. જેણે અંધશ્રદ્ધાના નામે ભૂવાએ કુહાડી વડે બાળકીનું ગળું કાપી નાખ્યું હતું. ત્યારે આ બાળકીનો મૃતદેહ અથામણા ફળિયામાં જુના આવાસના મકાનમાંથી મળી આવ્યો હતો.
આરોપી લાલુ તડવી તાંત્રિક વિધિ માટે બાળકીને ઝૂંપડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તાંત્રિક વિધિના અનમે પાંચ વર્ષની બાળકીની હત્યા કરી હતી. જ્યા તેણે અંધશ્રદ્ધાના નામે ભૂવાએ કુહાડી વડે બાળકીનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાને તાંત્રિક વિધિનો એક ભાગ ગણાવતો હતો.
ત્યારે બાળકીની બલિ આપ્યા બાદ તેના નાના ભાઈને પણ બલિ માટે લઈ જઇ રહ્યો હતો. આ દરમિયાન ગ્રામજનોની નજર ભૂવા પર પડી હતી. ત્યારે બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે ગામલોકોએ જાણ કરી હતી.
જે બાદ પોલીસે મામલતદાર સાથે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર કાર્યવાહી શરૂ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો હતો. અને હત્યા બદલ પોલીસે આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાને લઇ ગામના સરપંચ રમેશભાઇએ જણાવ્યું હતું કે ગામના લાલાભાઇ હિંમતભાઇએ તેમની સામે રહેતા રાજુભાઇની દિકરીને તેના ધરે લઇને કુહાડીનો ધા મારીને હત્યા કરી હતી.
આ દિકરી ફક્ત પાંચ વર્ષની હતી. ત્યારે આવી નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ. સમગ્ર ઘટના લાલુ તડવીના મંદિરમાં ઘટી હતી.
અંધશ્રદ્ધાને ડામવા માટે ગુજરાત રાજ્ય સરકાર કાયદો લાવવા કવાયત કરી રહી છે. રાજ્યભરમાં કાળાજાદૂ અને અંધશ્રદ્ધાની નાબૂદી માટે દાદ માગતી જાહેરહિતની હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. સુનાવણી દરમિયાન ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીઓ હાઈકોર્ટમાં સોગંદનામું કહ્યું હતું, જેમાં ખાતરી આપવામાં આવી હતી કે આગામી વિધાનસભા સત્રમાં કાળુ જાદુ અને અંધશ્રદ્ધા અંગે બિલ પસાર કરવામાં આવશે.
હાઈકોર્ટમાં એક એનજીઓ દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં બનતી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો હતો અને કહેવાયું હતું કે આ અંગે કોઈ કાયદો ન હોવાના કારણે ગુનો કરનાર કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે.