છોટાઉદેપુરના કવાંટના ૨૫ ગામોમાં ભૂતકાળ બનશે પીવાના પાણીની સમસ્યા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા. ૨૭મી સપ્ટેમ્બરે થશે ખાતમુહૂર્ત રૂ.૭૯.૫૨ કરોડની કવાંટ જૂથ પાણી પુરવઠા યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની ખાસિયત વિશે જાણો
જુલાઈ-૨૦૨૫ માં પ્રોજેક્ટ પૂર્ણ થશે : અંદાજિત ૪૧ હજાર વસ્તીને પીવાના પાણીની મુશ્કેલીથી મળશે કાયમી છુટકારો
વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક દિવસીય પ્રવાસે આવનાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી કવાંટના લોકોને પણ વિકાસની ભેટ આપશે. તા. ૨૭મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કવાંટ જૂથ યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીનું ખાતમુહૂર્ત થશે. જેનાથી કવાંટના ૨૫ ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુલ ૨૫ ગામોમાં બિન પીવાલાયક અને અપૂરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલી પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રૂ.૭૯.૫૨ કરોડની નર્મદા રીવર બેઝીન આધારિત ડી.ડી.એસ.એ બલ્ક પાઈપ લાઈન ટેંપીંગ મારફતે કવાંટ જૂથ પાણી પુરવઠા તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની યોજના તૈયાર કરી છે. જેનાથી આ તાલુકાના ડુંગરાળ વિસ્તારના કુલ ૨૫ ગામોની અંદાજીત ૪૧ હજાર લોકોની વસ્તીનું પીવાના પાણીની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે.
આ યોજનામાં મોટી ચીખલી ખાતેના ભૂગર્ભ સંપમાંથી નર્મદાનું રો-વોટર પાણી ૬.૫૦ એમ.એલ.ડી ક્ષમતાના ફીસ્ટ્રેશન પ્લાન્ટમાં પંપ કરી શુદ્ધિકરણ કરેલું પીવાનું પાણી અંદાજીત ૨૧૧.૦૮ કી.મી પાઈપલાઈન મારફ્તે વહન કરી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ૧.૭૯ એમ.એલ ક્ષમતાની કુલ ૩૩ નંગ ઉંચી ટાંકી તથા ૧૧.૬૪ એમ.એલ ક્ષમતાના કુલ ૪૭ નંગ ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી નર્મદાના પૂરતા પ્રેશરથી પુરું પાડવાનું સુપેરે આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત બાદ જુલાઈ- ૨૦૨૫ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિકાસ ભેટથી અહીં ટ્રાયબલ બેલ્ટની મહિલાઓને આરામદાયક રીતે પીવાનું પાણી મળી રહેશે.