બિલ્ડર સમુદાયનાં પ્રશ્નો અંગે સરકાર યોગ્ય નિર્ણય કરવા સકારાત્મક અભિગમ ધરાવે છે: મુખ્યમંત્રી
અમદાવાદમાં ૧૮મા ગાઈહેડ પ્રોપર્ટી શો નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.એસ.આર પ્રવૃત્તિઓ દ્વારા કાર્બન ફુટ પ્રિન્ટ ઘટાડવા અર્બન ફોરેસ્ટનાં વિકાસ અને શાળાઓના અપગ્રેડેશન, સ્માર્ટ કલાસ માટે ક્રેડાઇ-ગાઇહેડ અને બે સંસ્થાઓ વચ્ચે MoU સંપન્ન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૧૮મા ગાઈહેડ પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં વિરાસતોની મહત્તા અને જાળવણી સાથે સમયાનુકુલ વિકાસ પણ થઈ રહ્યો છે.
તેમણે આગામી દિવસોમાં રામલલ્લાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો જે માહોલ ઉભો થયો છે તેને ભગવાન રામના લંકાથી અયોધ્યા આગમન વેળાના ઉત્સાહપૂર્ણ ઉલ્લાસમય તહેવાર જેવા માહોલ સમાન ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વિરાસતના ગૌરવના આવા માહોલ સાથે ગુજરાતમાં પણ વાઇબ્રન્ટ સમિટના ૨૦૨૪ના આયોજનથી આધુનિક વિકાસનું વાઇબ્રન્ટ વાતાવરણ ઉભું થયું છે.
વડાપ્રધાનશ્રીનાં વિઝનરી નેતૃત્વમાં મહાકાલ લોક જેવા ગૌરવવંતા પ્રોજેક્ટ દેશમાં પૂર્ણ થઈ રહ્યાં છે અને દેશમાં અલગ સ્પીડ અને સ્કેલ પર વિકાસ થઈ રહ્યો છે. પહેલાં લોકો કહેતાં હતાં કે અમેરીકા જેવો વિકાસ, પરંતુ હવે લોકો કહે છે કે, ભારત જેવો વિકાસ, એવું વિઝનરી નેતૃત્વ આપણને મળ્યું છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ગ્રીન એન્વાયરમેન્ટનો કોન્સેપ્ટ આપ્યો છે, નેટ ઝીરો તરફ જવાનો તેમનો સંકલ્પ છે તે દિશામાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ ક્રેડાઈ દ્વારા CSR અન્વયે થયેલાં MoU નો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સેવાભાવી પ્રવૃત્તિઓ કરીએ તો સમાજમાં મોટી ઇમ્પેક્ટ આપણે લાવી શકીએ.
વડાપ્રધાનશ્રીએ એક ભારત-શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે ત્યારે આપણે રાષ્ટ્રનાં વિકાસની દિશામાં આગળ વધવું જોઈએ, સરકારની સાથે સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, વેપારી મંડળો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાય ત્યારે વિકાસની ગતિ બમણી થાય છે તેમ તેમણે જણાવ્યું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, ક્રેડાઇ દ્વારા તેના ૨૫ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે લેવાયલા પાંચ સંકલ્પો પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.
આ સંદર્ભે ક્રેડાઇ અમદાવાદના પ્રેસીડેન્ટ ધુવ પટેલે જણાવ્યું હતું કે સી.એસ.આર. પ્રવૃત્તિઓ વધુ ઇમ્પેક્ટફૂલ બને તે દિશામાં આવનાર દિવસોમાં કામ થશે. અમદાવાદ જિલ્લામાં ૫૦ સરકારી શાળાઓ અપગ્રેડ કરવા, સ્માર્ટ સ્કૂલ્સ તૈયાર કરવા અને ગર્લ્સ-બોય્ઝનાં અલગ ટોયલેટ બનાવવા માટે તેમણે યુવા અનસ્ટોપેબલ સાથે MoU કર્યા હતા.
અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ તૈયાર થાય તે માટે ૧ લાખ વૃક્ષોનું વાવેતર કરીને તેની માવજત દ્વારા કાર્બન ફુટ પ્રિન્ટ ઘટાડવા માટે ક્રેડાઈ-ગાઈહેડ દ્વારા સશક્ત સંસ્થા સાથે MoU કરવામાં આવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બિલ્ડર સમુદાયનાં પ્રશ્નો અંગે સરકાર જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય કરવા સકારાત્મક અભિગમ ધરાવે છે.
રાજ્યસભાના સાંસદશ્રી નરહરી અમીન, અમદાવાદના મેયર સુ.શ્રી પ્રતિભા જૈન, વેજલપુરનાં ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર, ક્રેડાઈ ઇન્ડિયાના પ્રેસીડેન્ટ શ્રી શેખર પટેલ, ક્યુ.સી.આઇ.ના શ્રી જક્ષય શાહ, ક્રેડાઈ ગાઈહેડના અન્ય હોદ્દેદારો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.