મુખ્યમંત્રીએ વાપીમાં આર.કે.દેસાઈ ગ્રૃપ ઓફ કોલેજીસના વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કર્યું
(પ્રતિનિધિ) વલસાડ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવું છે. આદરણીય નરેન્દ્રભાઈની વિઝનરી લીડરશીપમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ હોઈ કે નવી પ્રોત્સાહક નીતિ હોઈ, આખા ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાધી શક્યા છે. વાપી છેલ્લા ૨ દાયકાથી ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે શિક્ષણની ક્રાંતિનું સાક્ષી બન્યું છે.” એમ વાપી કોપરલી રોડ પર સ્થિત રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા રૂ.૪.૫૦ કરોડના ખર્ચે નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સેવાના ભેખધારી રમણભાઈ દેસાઈની જન્મજયંતિએ કોલેજ પરિવારને અભિનંદન આપું છું. અહીં વડાપ્રધાનશ્રીના કાર્યમંત્ર સાથે આદિજાતિ વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આ સંસ્થા સંકલ્પકારી છે. બે દિવસ પહેલા જ નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ભારત સરકારના અમૃતકાળનું પહેલું બજેટ રજૂ કરાયું છે. જેને દેશભરમાં અમૃત બજેટ તરીકે વધાવી લેવાયું છે. જેમાં સૌથી મહત્વની પ્રાથમિકતા યુવા શક્તિને અપાઈ છે. ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે યુવા શક્તિને વધુ શિક્ષિત અને તાલીમબદ્ધ કરવા જાેગવાઈ કરાઈ છે. યુવા શક્તિના સહારે વિકસિત ભારત, આર્ત્મનિભર ભારત બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. નેશનલ એપ્રેન્ટીશિપ પ્રમોશન સ્કીમ હેઠળ દેશના ૪૭ લાખ યુવાનોને સ્ટાઈપેન્ડનો લાભ આપવા જઇ રહ્યા છે. ઓન જાેબ તાલીમ પણ અપાશે.
યુવા શક્તિના વિકાસ અને સરકારની યોજનાઓ અંગે મુખ્યમંત્રીશ્રીએ વધુ પ્રકાશ પાડતાા જણાવ્યું કે, આદરણીય મોદીજીએ દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ કરવા માટે નવી શિક્ષણ નીતિ અમલમાં મુકી છે. પરંપરાગત શિક્ષણની સાથે સાથે રિસર્ચ અને ઈનોવેશન પર ભાર મુકયો છે. ઇનોવેશન પોલીસી ૨.૦ અમલથી ગુજરાતના અનેક યુવાનોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ તરફ વાળ્યા છે.
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિક્લસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના કાર્યકાળમાં દેશભરમાં બેનમૂન વિકાસ થઈ રહ્યો છે. વાપીના નાગરિકોને મળતી સુવિધાઓમાં પણ વધારો થયો છે.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર દાસ મધુમિતા, વર્ષ ૨૦૨૨માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર ભંડારી પલક, વર્ષ ૨૦૨૧માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર રુચિ માયત્રા અને સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડો. જ્યંતિલાલ બી.બારીશનું એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પદ્મભૂષણશ્રી અને યુપીએલના ચેરમેનશ્રી રજ્જુભાઈ શ્રોફનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો.કે.સી.પટેલ, સંસ્થાના પ્રેરણાસ્ત્રોત કાંતાબેન રમણભાઈ દેસાઈ, કમલભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ જાેશી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, યુપીએલના વાઇસ ચેરમેન શાંદ્રાબેન શ્રોફ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ, વાપી વીઆઈએના પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નોટિફાઇડ એરિયા બોર્ડના ચેરમેન સતિષભાઈ પટેલ, ક્રેડાઈના વાપીના અને મુક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એલ.એન.ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન આર. કે.દેસાઈ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન મિલનભાઈ દેસાઈએ કર્યું હતું. સંસ્થાનો પરિચય આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડો.પ્રીતિબેન ચૌહાણે આપ્યો હતો. જ્યારે આભારવિધિ વાપી ગ્રીન એન્વાયરો લિ.ના ડાયરેક્ટર યોગેશભાઈ કાબરીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીઆઈએના ખજાનચી હેમાંગભાઈ નાયકે કર્યું હતું.