રાજકોટથી પરત આવી મુખ્યમંત્રી હેલિપેડથી સીધા જ ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

મુખ્યમંત્રીશ્રીએ ૬ જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગેની સમીક્ષા કરી-મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેક્ટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગવી સંવેદનશીલતાનું ઉદાહરણ પુરુ પાડતાં રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં દિવસ દરમિયાન દક્ષિણ અને
મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના કલેક્ટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો.
આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે વહીવટી તંત્રને સૂચનાઓ આપી હતી.
છોટાઉદેપુરમાં ૪૦૦, નવસારીમાં ૫૫૦ અને વલસાડમાં ૪૭૦ સહિત રાજ્યમાં ૩,૨૫૦ જેટલાં નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે.મુખ્યમંત્રીશ્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે.
એટલું જ નહીં, પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય, વરસાદને પગલે કોઈ જાનહાની ન થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી.
રાજ્યમાં NDRFની ૧૩ ટીમ અને SDRFની ૧૬ પ્લાટૂન હાલ તૈનાત કરવામાં આવી છે.છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRFની ૧ પ્લાટૂન મદદ માટે રવાના કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ વ્યાપક વરસાદથી અસરગ્રસ્ત એવા ૬ જિલ્લાના કલેક્ટરશ્રીઓને તેમના જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં તા. ૧૦ જુલાઈ એટલે કે આજની સ્થિતિએ સ્ટેટ હાઇવે, પંચાયત હાઇવે અને અન્ય માર્ગો મળીને કુલ ૩૮૮ જેટલા માર્ગો બંધ છે.સ્ટેટ હાઇવેના જે માર્ગ બંધ છે તે સહિતના માર્ગો પરની આડશો દૂર કરીને તેમજ અન્ય મરામત કરીને તેને પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગ મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનો આપ્યા હતા.
રાજ્યમાં આજે આ છ જિલ્લાઓમાં સવારે ૮.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન ૫ ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સંદર્ભમાં પણ મુખ્યમંત્રીશ્રીએ સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાની જરૂર જણાય તો જિલ્લા કલેકટરશ્રીએ સ્થાનિક સ્તરેજ જરૂરી નિર્ણય લઇ ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતિનો અંગેનો તાગ મેળવ્યો હતો.
મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીપણ આ વેળાએ ઉપસ્થિત હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મહેસૂલ વિભાગના અધિક સચિવ શ્રી કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી સંદીપ વસાવા, રાહત કમિશનર શ્રી પી. સ્વરૂપ સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ આ તાકીદ બેઠકમાં જોડાયા હતા.