RTIનો દુરઉપયોગ કરી શાળા સંચાલકોને બ્લેક મેઈલ કરનારની ધરપકડ
RTIના નામે તોડબાજી કરતાં શખ્સો સામે મુખ્યમંત્રીનું કડક વલણ
(એજન્સી)ગાંધીનગર, આરટીઆઈ હેઠળ સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આરટીઆઈનો દુરઉપયોગ કરી ગાંધીનગરમાં શાળા સંચાલકોને બ્લેક મેઈલ કરી કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રી દ્વારા કડક વલણ અપનાવ્યું છે.
તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવી. તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે કાર્યવાહીની સૂચના આપી હતી. મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા.જેમાં મહેન્દ્ર પટેલે ૧૮ શાળાનાં સંચાલકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. મહેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તા. ૨ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને ૧ કરોડથી વધુની રોકડ સહિત સોનાના દાગીના અને ૪૦૦ કરતા વધુ ફાઈલો મળી હતી. જે તમામ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્ર પટેલને વર્ષ ૧૯૯૫માં શાળાઓમાં બાળ ફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે બાદ તેના શિક્ષણ ખાતામાં સંપર્કો વધતા તેનો દૂરપયોગ શરૂ કર્યો હતો. જો કે, આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરીને સીઆઈડી ક્રાઈમે રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ હાજર કર્યો. જેમાં ૨ તારીખ સાંજે ૫ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે.
ગાંધીનગરમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે ફરિયાદને લઈ જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટી પ્રવિણ ગજેરાએ પ્રતિક્રિયા આપી હતી. માહિતી આપતા કહ્યું કે, ૨૦૧૨થી ૨૦૧૭ સુધી અનેક શાળાઓને મહેન્દ્ર પટેલે નિશાન બનાવી. સાથે જ કહ્યું કે, થોડા થોડા કરીને મારી પાસેથી પણ ૬૬ લાખ રૂપિયા લીધા. જો કે, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી. જેના લીધે મદદ મળી.