શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શિક્ષણની ગુણવત્તા ચકાસતા મુખ્ય સચિવ રાજકુમાર
બાળકોનું શિક્ષણ સમાજના પાયાનું ઘડતર છે -મુખ્ય સચિવશ્રી રાજ કુમાર-મુખ્ય સચિવશ્રીએ SMCના સભ્યો સાથે બેઠક કરી શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા
સમગ્ર રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં પણ આજે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જિલ્લાની ખેરવા પ્રાથમિક શાળા ખાતે મુખ્ય સચિવશ્રી રાજકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મુખ્ય સચિવશ્રીએ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ નાના ભૂલકાઓને શાળામાં આવકારતા જણાવ્યું હતું કે, આજે જે ઉત્સાહથી બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તે ઉત્સાહથી જ આ બાળકો નિયમિત શાળામાં આવી જ રીતે અભ્યાસ કરવા આવે અને બાળકોને શિક્ષણ પ્રત્યે માન, સન્માન અને આગળ વધવાની ભાવના કેળવાય તે માટે આવા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાળકોનું શિક્ષણ સમાજના પાયાનું ઘડતર છે. ખેરવા પ્રાથમિક શાળાએ ગત વર્ષે 75 વર્ષ પૂર્ણ કર્યા તેની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ગામ લોકોએ સહભાગીતા દાખવી હતી. જે ગામ લોકોની શિક્ષણ પ્રત્યેની ઊંચી લાગણી દર્શાવે છે.
રાજ્ય સરકારની મહત્વની યોજના ‘નમો લક્ષ્મી‘ અને ‘નમો સરસ્વતી‘ યોજના વિશે જાણકારી આપતા મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં રૂપિયા 50,000 ની આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી યોજના‘ અને ધોરણ 11, 12 માં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં ₹25,000 આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી યોજના‘ શરૂ કરવામાં આવી છે.આ યોજના થકી કન્યા કેળવણી અને વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળશે.
વધુમાં મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું કે બાળકોમાં મોબાઇલનું દૂષણ અટકાવવા માટે તેમની રમત ગમત પ્રત્યે રુચિ કેળવાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને બાળકોમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે બાળકમાં વાંચનની ટેવ વિકસાય તે જરૂરી છે. શાળાની લાઇબ્રેરીમાંથી બાળકો મહાપુરુષોના જીવન ચરિત્રના પુસ્તકો વાંચીને પ્રેરણા મેળવે તેવા પ્રયાસો કરવા પણ શિક્ષકોને જણાવ્યું હતું.
આ તકે મુખ્ય સચિવશ્રીએ SMCના સભ્યો સાથે બેઠક કરી શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા, શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની નિયમિતતા બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓને અપાતા શિક્ષણની ગુણવત્તા ચકાસી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેરવા પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 1 માં 36 બાળકો અને બાલવાટિકામાં 39 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. તેમજ ખેરવા પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ 1 માં 36 અને બાલવાટિકામાં 35 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. કાર્યક્રમ બાદ મુખ્ય સચિવશ્રી સહિતના મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ઋતુરાજસિંહ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બિરેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શરદ ત્રિવેદી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ શાળાના શિક્ષકો સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.