ભૂંડ પકડવાના બહાને રેકી કરી ચોરી કરનાર ચીખલીકર ગેંગના આરોપીઓ ઝડપાયા
પાટણ, પાટણ એલસીબી પોલીસે પાટણ સહિત રાજયના જુદા જુદા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપનાર ચીખલીકર ગેંગના બે સાગરીતોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીની અટકાયત કરી હતી.
જિલ્લા પોલીસ વડા વિજય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં બનતી ઘરફોડ ચોરી અટકાવવા પાટણ એલસીબી પીઆઈ આર.કે.અમીનના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ટીમો પૈકી એક ટીમને બાતમી મળેલ કે રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી ચીખલીકર ગેંગના સભ્યો પૈકી લખનસીંગ જીતસીંગ (રહે. વડગામ) તેની ગેંગના સભ્યો લઈ પાટણ આવવા નીકળેલ છે.
જે હકીકત આધારે એલસીબી ટીમે પાટણ પાલડી ગામ નજીક નાકાબંધી કરતા લખનસીંગ જીતસીંગ તથા અવતારસીંગ જીતસીંગ બન્ને (રહે. હાલ. વડગામ, લક્ષ્મીપુરા, દૂધ ડેરીની સામે, તા.વડગામ)ને ચોરીના રૂા.૧૩,પ૪,ર૯૦ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા અને બંનેની સઘન પુછપરછ હાથ ધરતા
તેઓને ભૂંડ પકડવાના બહાને સવારે રેકી કરી રાત્રે ચોરીના બાઈક સાથે રેકી સ્થળે ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપી ચોરેલ બાઈક બિનવારસી હાલતમાં મુકી ફરાર થઈ જતાં હોવાનું જણાવી તેઓએ પાટણ જિલ્લામાં ૧૦, બનાસકાંઠા ૪ અને ગાંધીધામ ૧ ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું
અને ચોરીનો માલ ઉંઝાના દરજીવાસમાં રહેતા સોની કમલેશભાઈ ભરતભાઈને વેચાણ કરતા હોવાનું જણાવતા એલસીબી પોલીસે ઉંઝા ખાતેથી સોની વેપારીની અટકાયત કરી આરોપીઓને પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.