રસ્તાઓ પર ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ કરતા બાળકોને રેસ્કયુ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભીખ માંગવાની પ્રવૃત્તિ કરતા કિશોર/કિશોરીઓને રેસ્ક્યુ કરી તેઓના માતા પિતા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ભીખ માંગતા બાળકોને રેસ્કયુ કરી તેમને પુનર્વસન અને શોષણથી સુરક્ષિત કરવાની સરાહનીય કામગીરી કરાઇ છે. આ ઉપરાંત આ કામ માટે બાળકોને મજબુર કરતા તેઓના માતા પિતા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં શહેરના જાહેર રસ્તાઓ પર ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ કરતા બાળકોને રેસ્ક્યુ કરવા કુલ 4 ટીમો બનાવવામાં આવી. જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ, I.U.C.A.W, મહિલા પોલીસ સ્ટેશન (વેસ્ટ), મહિલા પોલીસ સ્ટેશન (ઇસ્ટ) નો સમાવેશ થાય છે.
આ ચાર ટીમોની વિવિધ સ્થળો પર ડ્રાઇવ દરમિયાન વાડજ, વસ્ત્રાપુર, નવરંગપુરા અને શાહીબાગ વિસ્તારમાંથી મહિલા પોલીસ સ્ટેશન (ઇસ્ટ) દ્વારા 1 બાળક, મહિલા પોલીસ સ્ટેશન (વેસ્ટ) દ્વારા 1 બાળક તથા I.U.C.A.W ની ટીમ દ્વારા 1 બાળક અને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમ દ્વારા 2 બાળક એમ કુલ 5 જેટલા બાળકોનું રેસ્કયુ કરાયું હતું
અને તમામ બાળકોના વાલીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. વધુમાં તમામ બાળકોની તપાસના ભાગરૂપે મેડિકલ સારવાર કરાશે અને તેમના કોઈ પણ પ્રકારનું શોષણ થયેલ છે કે કેમ તે અંગે પણ મેડિકલ સારવાર દરમિયાન ચકાસણી કરવામાં આવશે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેસ્ક્યુ કરાયેલા આ બાળકોનું પુનર્વસન થાય અને તેમને શિક્ષણ તથા પોષણ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરવામાં આવશે.