કારખાનાના માલિકના ત્રાસથી બે બાળકો ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યા

પ્રતિકાત્મક
સવારે પાંચ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત ૧૭ કલાક બાળકો પાસે કામ કરાવવામાં આવતુ હતું. -સુરતના વરાછામાં બાળમજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો
(એજન્સી)સુરત, ગુજરાતમાં બાળમજૂરીના અનેક કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતના વરાછામાં બાળમજૂરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.કારખાનામાં ૧૭ કલાક બાળકોને ગોંધી રાખીને મજૂરી કરાવાતી હોવાનું ખુલ્યું છે. કારખાનાના માલિકના ત્રાસથી બે બાળકો ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.
બાળકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસ કારખાનામાં પહોંચી હતી અને અન્ય ત્રણ બાળકોને મુક્ત કરાવ્યા હતાં. આ ઘટનામાં પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વરાછામાં નાના બાળકોને કારખાનમાં ગોંધી રાખીને ૧૭ કલાક સુધી તેમની પાસે કામ કરાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે.
આ કારખાનામાં ૭ વર્ષથી લઈને ૧૭ વર્ષના કિશોરો પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી. કારખાનાના માલિકના ત્રાસથી કંટાળેલા બે બાળકો ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. તેમણે પોલીસને સમગ્ર હકિકત કહી હતી. ત્યાર બાદ પોલીસ કારખાનામાં પહોંચી હતી અને સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે પુણાની બિલનાથ સોસાયટીમાં સાડીના કારખાનામાં ગોંધી રાખેલા અન્ય ત્રણ બાળકોને મુક્ત કરાવ્યા હતાં.
આ તમામ બાળકો રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. કારખાનાનો માલિક બાળકો પાસે કાળી મજૂરી કરાવતો હતો અને તેમની સાથે મારઝૂડ કરીને ત્રાસ આપતો હતો.
સવારે પાંચ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત ૧૭ કલાક બાળકો પાસે કામ કરાવવામાં આવતુ હતું. પોલીસે બાળકોને મુક્ત કરાવીને બે વ્ચક્તિઓની ધરપકડ કરી હતી. બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે.