તમામ રાજ્યો બાળક ચોરીના કેસોનો ૬ મહિનામાં ઉકેલ લાવે: સુપ્રીમ કોર્ટ

પ્રતિકાત્મક
હોસ્પિટલમાંથી બાળક ચોરાઈ જાય તો લાઇસન્સ રદ કરોઃ સુપ્રીમ
(એજન્સી)નવી દિલ્હી, દેશભરની હોસ્પિટલોમાંથી બાળકોની ચોરીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- જે હોસ્પિટલમાંથી બાળક ચોરાયું હોય એનું લાઇસન્સ રદ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે નવજાત શિશુઓની ચોરીના કેસમાં ઉત્તરપ્રદેશ સરકારને ઠપકો આપ્યો અને રાજ્યો માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે જો કોઈપણ હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થાય છે, તો એનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે. ડિલિવરી પછી જો બાળક ગુમ થાય, તો એના માટે હોસ્પિટલ જવાબદાર રહેશે.
જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે દેશભરની તમામ હાઈકોર્ટે તેમનાં રાજ્યોમાં ચોરી થયેલાં બાળકો સંબંધિત પેન્ડિંગ કેસોના સ્ટેટસ રિપોર્ટ મગાવે. ૬ મહિનાની અંદર બધી સુનાવણીઓ પૂર્ણ કરો. આ કેસની સુનાવણી દરરોજ થવી જોઈએ.
ખરેખરમાં સુપ્રીમ કોર્ટ નવજાત શિશુઓની ચોરીના કેસની સુનાવણી કરી રહી હતી, જેમાં ઉત્તરપ્રદેશનાં એક દંપતીએ ૪ લાખ રૂપિયામાં ચોરી કરીને લાવેલું બાળક ખરીદ્યું હતું, કારણ કે તેમને દીકરો જોઈતો હતો. આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે આરોપીને આગોતરા જામીન આપ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા.
સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ ટ્રાફિકિંગના કેસમાં ભારતીય ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવેલાં સૂચનોને પોતાના નિર્ણયમાં સામેલ કર્યાં છે અને તમામ રાજ્ય સરકારોને એને વાંચવા અને અમલમાં મૂકવા કહ્યું છે. એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું છે કે જો કોઈ મહિલા બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલમાં આવે છે અને ત્યાંથી નવજાત બાળક ચોરાઈ જાય છે, તો સૌથી પહેલા સરકારે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવું જોઈએ.
આનાથી બાળકોની ચોરીની ઘટનાઓને અમુક હદ સુધી નિયંત્રિત કરવામાં મદદ મળશે. કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે ‘જો કોઈ માતા-પિતાનું નવજાત બાળક મૃત્યુ પામે છે, તો તેઓ દુઃખી થાય છે.’