દેશમાં બાળ તસ્કરીનું દૂષણ, સ્થિતિ બદથી બદતર થઈ રહી છેઃ સુપ્રીમ

નવી દિલ્હી, બાળ તસ્કરીનું દૂષણ દેશભરમાં વકરી રહ્યું હોવા બાબતે ચિંતા વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે આ મામલે ઝડપી કાર્યવાહી કરવા અને સૂત્રધારને ઝડપી લેવા દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા હતા.
બાળ તસ્કરી ડામવાના પોલીસના પ્રયાસો વચ્ચે સ્થિતિ બદથી બદતર થઈ રહી હોવાનું અવલોકન કરી સુપ્રીમ કોર્ટે ત્રણ મિસિંગ નવજાત બાળકોને શોધવા અને ગેંગ લીડર પૂજાની ધરપકડ કરવા દિલ્હી પોલીસને તાકીદ કરી હતી. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં નવજાત બાળકોની તસ્કરીના કેસમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી.
બાળ તસ્કરીમાં પરિવાર કે માતા-પિતાની સંડોવણી હોવાનો ખુલાસો પોલીસ તપાસ દરમિયાન થયો હતો. આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, નવજાત બાળક દીકરી હશે તો તેની સાથે શું થશે તે કહેવાની જરૂર નથી.
આ મામલે ઝડપી કાર્યવાહી માટે પોલીસને નિર્દેશ આપીને કોર્ટે ચાર અઠવાડિયા પછી વધુ સુનાવણી રાખી છે. દિલ્હી પોલીસને કડક તાકિદ કરતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, કોઈ પણ ભોગે મિસિંગ બાળકોને શોધવાના છે અને સૂત્રધારની ધરપકડ કરવાની છે.
અગાઉ ૧૫ એપ્રિલે સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ ટ્રાફિંગના આંતરરાજ્ય કેસમાં નોંધપાત્ર ચુકાદો આપ્યો હતો. જેમાં ૧૩ આરોપીઓના જામીન રદ કરી દેવાયા હતા. જામીન રદ કરતાં કોર્ટે ઠરાવ્યુ હતું કે ન્યાય માટે પીડિતોનું આક્રંદ સંભળાય છે.SS1MS