ઠંડીમાં બહાર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યાં ગોધરાના મોટા તોરણાના બાળકો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) શૈક્ષણિક સુવિધાઓની મોટી મોટી વાતો કરતી સરકારે આ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. છાશવારે શાળાઓમાં ઓરડાઓની જર્જરિત હાલતના અહેવાલો સામે આવતા હોય છે. ભરશિયાળે ફુલ જેવા ભૂલકાઓ કેટલાક વિસ્તારોમાં ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બની રહ્યા છે. જ્યાં શાળામાં ઓરડાની જર્જરિત હાલતને કારણે બાળકો ખુલ્લામાં બેસીને ભણતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, અહીં જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ નિષ્ફળ નિવળ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વિધાર્થીઓ છેલ્લા નવ વર્ષથી બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.
ગોધરા તાલુકાના મોટા તોરણા ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકો છેલ્લા નવ વર્ષથી બહાર બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે સ્માર્ટ ક્લાસરુમ, કોમ્પ્યુટર લેબ્સ સહિત અન્ય મોટી મોટી સુવિધાઓની વાતો કરતી સરકાર ફક્ત સારા ઓરડાનું નિર્માણ કરી આપે એવી સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.શાળાના બંને ઓરડા બિસ્માર હોવાથી આખી શાળા ઓરડા વગરની બની છે.
એવું નથી કે આ માટે રજૂઆતો નથી કરાઈ, શાળાના આચાર્ય દ્વારા નવીન ઓરડા બનાવવા બાબતે પંચમહાલ શિક્ષણ વિભાગને અનેક વખત રજૂઆતો કરી છે પણ સાંભળે કોણ?શિક્ષણ વિભાગ દ્વારા શાળાના ઓરડા નવ વર્ષ અગાઉ ડીસમેન્ટલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ હજુ સુધી નવા ઓરડા બન્યા નથી. ગરમી હોય, વરસાદ હોય કે પછી ભલેને શિયાળાની કળકળતી ઠંડી જ કેમ ના હોય વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.
જ્યારે આ બાબતે શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા આ શાળાના બંને ઓરડા સને ૨૦૧૬ માં ડીસમેન્ટલ કરવામાં આવ્યા છે ત્યારબાદ સમયાંતરે ઓરડા નવીન બનાવી આપવા બાબતે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ કામગીરી થઈ નથી જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બહાર બેસાડીએ છે
શાળામાં એક થી પાંચ ધોરણમાં કુલ ૩૬ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ વહેલી તકે ઓરડા બનાવે તેવી માંગ ઉઠી છે તો બીજી તરફ સ્થાનિક ગ્રામજનો દ્વારા આ બાબત શિક્ષણ વિભાગના રજૂઆત તો કરવામાં આવી છે જ્યારે આ બાબતે જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના ચેરમેન અરવિંદસિંહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મેં આ શાળામાં જઈને જાત તપાસ કરી છે
અને હવે ટૂંકા દિવસોમાં આ શાળાના ઓરડા નવીન બનાવવામાં આવશે પંચમહાલમાં એવી અનેક સરકારી શાળા આવેલી છે કે જેના ઓરડા જર્જરી થવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી અને તેઓના શિક્ષણ કાર્ય પર પણ અસર પડી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ તકે તકે જાગી યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.