એડવેન્ચર કોર્ષમાં વાપીની દેગામ મુખ્ય પ્રાથમિક શાળાનાં બાળકો જાેડાયા
(પ્રતિનિધિ) હાંસોટ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે યોજાયેલ એડવેન્ચર કોર્ષમાં રાજ્યનાં અનુસૂચિત જન જાતિનાં ૮૨ બાળકોએ ભાગ લીધો હતો. સદર એડવેન્ચર કોર્ષમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ હસ્તકની વાપી તાલુકાની દેગામ મુખ્ય પ્રાથમિક શાળાનાં ૨૪ વિદ્યાર્થીઓએ શાળાનાં શિક્ષક અશ્વિનકુમાર ચીમનલાલ ટંડેલનાં માર્ગદર્શન હેઠળ સહર્ષ ભાગ લીધો હતો.
આ સાત દિવસીય કોર્સમાં વિશેષજ્ઞ એવાં આઠ ટ્રેકર માર્ગદર્શકો અને ડાયરેકટરની અસરકારક ટ્રેનિંગ હેઠળ રોપ કલાઈમ્બિંગ, રેપ્લિંગ , રિવર ક્રોસિંગ, નાઈટ ટ્રેકિંગ, ઓપસ્ટીકલ ટ્રેનિંગ, જૂનાગઢ સાઈટ સીન ( મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય, શક્કરબાગ અને વિલિંગન ડેમ) અને શિસ્ત સલામતીનો સમાવેશ થયો હતો. રાત્રિ શેષનમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ એડવેન્ચરને લગતાં મુવીઝ બતાવવામાં આવ્યાં હતાં. એડવેન્ચર કોર્સની વધુ માહિતી આપતાં માર્ગદર્શક શિક્ષક અશ્વિનભાઈ ટંડેલે જણાવ્યું હતું કે આ સાત દિવસ દરમિયાન ૧૦ થી ૧૩ વર્ષનાં બાળકો પોતાનું દૈનિક કાર્ય જાતે કરી સ્વાવલંબનનાં પાઠો શીખ્યાં. ઉપરાંત તેઓ સાહસિક પ્રવૃત્તિઓથી પરિચિત થઈ તે માટે સુસજ્જ અને સક્ષમ બન્યાં.
કેમ્પનાં અંતિમ દિવસે તાલીમાર્થી તમામ બાળકો તથા માર્ગદર્શક મિત્રોને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢ જિલ્લા વન વિભાગ અધિકારીશ્રી સીલુ સાહેબ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા તેમજ સંસ્થાનાં એ.પી.ઓ. ઉપેન્દ્રસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે તેઓએ પોતપોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળકોએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં.
વર્તમાન સમયમાં જ્યારે બાળકો અને યુવાઓ મોબાઈલમાં મગ્ન બન્યા છે એવાં સમયે આરોગ્યપ્રદ ટેવો અપનાવી વિદ્યાર્થીઓને અલાયદી દિશા સૂચન કરવાની ફરજ તેમનાં વાલી અને શિક્ષકોની છે. આ યુવા શક્તિ યોગ્ય દિશામાં કામ કરશે તો ચોક્કસ આપણે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સશક્ત ભારતની ચળવળને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું.