સ્કૂલ હોસ્ટેલના જર્જરીત રૂમ-બિલ્ડીંગમાં બાળકોને નહીં બેસાડવા આદેશ કરાયો
રાજકોટના ગેમ ઝોનની ઘટના બાદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ તંત્રની સ્કૂલ સંચાલકોને તાકીદ
ગાંધીનગર, ચોમાસા પહેલાં સ્કૂલ-હોસ્ટેલના જર્જરિત રૂમ બિલ્ડીંગમાં ભયજનક દિવાલ-છતનું સમારકામ કરાવી લેવા અને આવા ભયજનક રૂમમાં બાળકોને નહીં બેસાઈડવા ગાંધીનગર જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સ્કૂલ સંચાલકોને લેખિતમાં આદેશ કરવામાં આવ્યો છે.
રાજકોટના ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ખાનગી અને સરકારી સહિતની તમામ સ્કૂલના સંચાલકોને જણાવાયું છે કે જર્જરીત કે ભયજનક વર્ગખંડ, ટોઈલેટ બ્લોક, સેÂપ્ટક ટેન્ક, ખાળકૂવા કે મકાન ફરતે આડસ મૂકીને પ્રવેશ નિષેધનું બોર્ડ ફરજિયાત લગાડવાનું રહેશે.
ગુજરાત શિક્ષણ પરિષદ દ્વારા આ સંબંધે જિલ્લાના પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કામે લગાડવામાં આવ્યા છે. તેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં પણ તમામ સરકારી શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો, હોસટેલ્સ અને શૈક્ષણિક મકાનોમાં કોઈ દુર્ઘટના ઘટે નહીં તેના માટે તકેદારી રાખવા અંગે સાવચેતીના આવશ્યક તમામ આગોતરા પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે.
તેના માટે જિલ્લાના ઉપરોકત અધિકારીઓએ શૈક્ષણિક મકાનોમાં સ્કૂલ સેફટી સંબંધે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સંચાલકો અને આચાર્યોને લેખિતમાં સૂચના આપવાની રહે છે.
વધુમાં એક પણ ખાસ તાકીદ કરવામાં આવી છે કે શાળામાં જર્જરિત જાહેર કરેલા કે સામાન્ય દૃષ્ટિએ ભયજનક લાગતા વર્ગખંડોમાં બાળકોને બેસાડવાના નથી. પાણીની મોટરના વાયર મીટરના વાયરના છેડા કે સાંધા ખુલ્લા ન રહે તેમ ગોઠવવાના રહેશે.
શાળા કે શૈક્ષણિક સંકુલ સક્રિય હોય મતલબ કે શૈક્ષણિક કાર્ય ચાલતું હોય તે દરમિયાન જો પરિસરમાં ક્યાંય પણ કોઈપણ પ્રકારનું બાંધકામ શરૂ કરવાનું હોય અથવા ચાલી રહ્યું હોય તો તે સ્ગળ ફરતે આડસ કરવાની રહેશે.
હાલમાં શાળાઓમાં વેકેશન ચાલુ રહ્યું છે પરંતુ જૂન મહિનામાં શાળાઓ ખુલે તેના પહેલાં ઉપરોકત કામગીરી કરવાની છે અને વેકેશન ખુલ્લા પહેલાં જ કોઈ જાનહાનિ ન થાય તેના માટે સ્કૂલ સેફટી યોગ્ય હોવા સંબંધે સંચાલક અને આચાર્યએ ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર તારીખ પમી જૂન પહેલાં સમગ્ર શિક્ષાની કચેરી પર પહોંચાડવાનું રહેશે. જર્જરિત કે ભયજનક બાંધકામના ફોટોગ્રાફમાં અક્ષાંશ, રેખાંશ ગૂગલ મેપ પ્રમાણે લેવાની પણ સૂચના આપવામાં આવી છે.