Western Times News

Gujarati News

મોલના એસ્કેલેટર્સનો ઉપયોગ કરતાં હોવ તો ચેતી જજો આવું પણ થઈ શકે છે

હાવડાના મોલના એસ્કેલેટર્સમાં બાળકીનો હાથ ફસાઈ ગયો-બાળકી બે કલાક પીડાતી રહી, પોલીસે મોલના સત્તાધીશો સામે બેદરકારી દાખવવા માટે સુઓ મોટો કેસ દાખલ કર્યો

કોલકાતા, હાવડાના એક મોલમાં એસ્કેલેટરમાં ત્રણ વર્ષની બાળકીનો ડાબો હાથ ફસાઈ જતાં કચડાઈ ગયો હતો. છોકરી બે કલાક સુધી પીડાથી કણસતી રહી હતી, કારણ કે મોલના સત્તાધીશોએ મદદ માટે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો તે પહેલા એક કલાક સુધી તેના હાથને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. childs hand crushed in escalator at Howrah mall in kolkata

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પેશીઓ, રક્તવાહિનીઓ, ચેતાતંતુઓ અને સ્નાયુઓને ઈજા પહોંચી હતી. પોલીસે મોલના સત્તાધીશો સામે બેદરકારી દાખવવા માટે સુઓ મોટો કેસ દાખલ કર્યો હતો. ઘટના હાવડાના રિવરસાઈડ અવની મોલમાં સાંજે આશરે ૭ વાગ્યાની આસપાસ બની હતી.

પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે, આ ઘટના ત્યારે બની હતી જ્યારે શિબપુરમાં રહેતી શેરિશ કરિમ નામની બાળકી એસ્કેલેટર પાસે ઊડીને ગયેલા ફુગ્ગાને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

‘તે ફુગ્ગા સાથે રમી રહી હતી અને તે સમયે તેના હાથમાંથી ઉડી ગયો હતો. તે ફુગ્ગો પકડવા માટે દોડી હતી. ફુગ્ગો એસ્કેલેટરમાં ફસાઈ જતાં તેણે તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તે પડી ગઈ હતી. તે રડવા લાગી હતી ત્યારે તેનો હાથ મશીનરીમાં ફસાઈ ગયો હોવાની જાણ અમને થઈ હતી’,

તેમ એક દુકાનદારે કહ્યું હતું. તેને રડતી જાેઈ તેના મમ્મી શામરીન તરત જ એસ્કેલેટર પાસે દોડી ગયા હતા અને મદદ માટે બૂમ પાડી હતી. હાથ વળીને સ્ટીલની પ્લેટો વચ્ચે ફસાઈ ગયો હોવાથી દુકાનદારો અને સિક્યુરિટી ગાર્ડ તેને બહાર કાઢવા માટે સક્ષમ નહોતા.

એક કલાક સુધી મેન્ટેનન્સ સ્ટાફે બાળકીનો હાથ બહાર કાઢવા માટે એસ્કેલેટરના તે ભાગને કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તે સમયે આશરે ૮ કલાકે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં  આવી હતી.

તેઓ તરત આવી પહોંચ્યા હતા અને એસ્કેલેટરનો તે ભાગ તોડવાનો પ્રયાસ કર્યો હતો. રાતે આશરે ૯ કલાકે તેમણે આખરે બાળકીને મુક્ત કરી હતી.

શામરીનના કાકા એમડી શામિમ રવીએ કહ્યું હતું કે ‘ડરી ગયેલી શામરિને મને ફોન કર્યો હતો. બાળકીના પિતા કામના સંદર્ભમાં કોલકાતાની બહાર હતા. મેં ગેસ કટર તેમજ મિકેનિકને સાથે લીધો હતો અને ૨૦ મિનિટમાં મોલ પહોંચ્યા હતા. શિબપુર પોલીસ સમયસર આવી ગઈ હતી અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

મોલના સત્તાધીશોએ પણ મિકેનિકને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. મેં પણ ગેસ કટરથી એસ્કેલેટરનો નીચેનો ભાગ કાપી નાખવાની સલાહ આપી હતી. બાળકના હાથમાં સતત લોહી વહી રહ્યું હતું અને તે બેભાન થઈ ઢળી પડી હતી. બે કલાકની મહેનત બાદ તેનો હાથ બહાર કઢાયો હતો’.

શેરીશ એક કલાક સુધી રડ્યા બાદ શાંત થઈ ગઈ હતી, જે બાદ તેને સીએમઆરઆઈ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ત્રણ કલાક સુધી તેની સારવાર ચાલી હતી.

ડોક્ટરોએ કહ્યું હતું કે, હજી તેની વધુ બેથી ત્રણ સર્જરી કરવી પડશે. ‘બાળકીનો ડાબો હાથ બાજુ સુધી ખરાબ રીતે કચડાઈ ગયો છે. અમે સર્જરી કરી છે, પરંતુ હજી તેની બેથી ત્રણ સર્જરી કરવી પડશે’, તેમ પ્લાસ્ટિક અને વેસ્ક્યુલર સર્જન અનુપમ ગોલાશે જણાવ્યું હતું.

બાળકી તેનો ડાબો હાથ સામાન્ય રીતે વાપરવામાં સક્ષમ રહેશે તેવી ડોક્ટરને આશા છે, પરંતુ તેને સંપૂર્ણ રીતે રિકવર થવામાં હજી છથી સાત મહિનાનો સમય લાગશે. જ્યારે બાળકીનો હાથ ફસાયો ત્યાં પરિવારજનોએ પોતાના ડોક્ટને બોલાવ્યા હતા. ‘બાળકીનું લોહી ઘણું બધું વહી ગયું હતું.

ઈજા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ પ્રાથમિક ચિંતા તેની નસોને કેવી અસર થઈ હશે તે હતી. હું એમ્બ્યુલન્સમાં તેની સાથે હોસ્પિટલ ગયો હતો. તેને આઈસીયુમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં ઓટીમાં ખસેડાઈ હતી. તેની સ્થિતિ હાલ સારી છે પરંતુ ખરાબ રીતે આઘાતમાં છે.

આઘાતમાંથી બહાર આવવા માટે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે’, તેમ ડોક્ટરે કહ્યું હતું. મોલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે શક્ય એટલું બધું કર્યું હતું. ‘બાળકીનો હાથ ફસાયો હોવાથી અમારે વધારે સાવચેત રહેવાની જરૂર પડી હતી. અમે પોલીસ અને ફાયર બ્રિગેડ સાથે કોઓર્ડિનેટ કરી રહ્યા છીએ. આ ઘટના કેવી રીતે બની હતી તેની પણ તપાસ કરી રહ્યા છીએ’, તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.