મરચું પાવડર, જલેબી અને લાડુમાં ભેળસેળ પકડાઈ
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રક્ષાબંધન, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દશેરા તેમજ દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ખાધ પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવેલ હતા. જેમાંથી ત્રીસ નમૂના નાપાસ થયા છે.
આ ત્રીસ માંથી છ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પકડાઈ છે. જેમાં મરચું પાવડર જલેબી અને મોતીચૂરના લાડુનો સમાવેશ થાય છે. ચોવીસ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. નાપાસ નમુનાઓ માટે જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-ર૦૦૬ મુજબ કાર્યવાહી હાથ ધરાયેલી છે.
વડોદરામાં ખાદ્ય પદાર્થોનું તહેવારોના દિવસો દરમિયાન ઘનિષ્ઠ ચેકિંગ કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાએ તાકીદ કરતા ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય મામલતદાર ડો. મુકેશ વૈદ્ય દ્વારા ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફીસરની ટીમ બનાવી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ માટે મોકલયા હતા. વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુનાઓ લઈને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
પબ્લીક હેલ્થ લેબોરેટરીના રીપોર્ટ આધારે શંકાસ્પદ નમૂનાઓમાં ૬- નમૂનાઓ અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ તેમજ બીજા ર૪ નમૂનાઓ અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. અનસેફ એટલે કે તેમાં ભેળસેળ છે આ માટે મ્યુનસિપલ કોર્ટમાં કેસ કાર્યવાહી થશે જયારે સબ સ્ટાન્ડર્ડ નમૂના માટે એડિશનલ કલેકટરનીકોર્ટમાં કાર્યવાહી હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રીસ નમૂનાઓમાં કેટલીક જાણીતી હોટલ- રેસ્ટોરન્ટ અને સ્વીટની દુકાનોનો પણ સમાવેશ થાય છે જેવી કે ફતેગંજમાં આવેલા ન્યુ ચીલી ગાર્લીક રેસ્ટોરન્ટ ખાતે મરચા પાવડરમાં રંગ મળ્યો હતો.