Western Times News

Gujarati News

ચીનમાં બ્રહ્મપુત્ર નદી પર વિશાળ ડેમના બાંધકામને મંજૂરી મળતા ભારતની ચિંતા વધી

વિશ્વના સૌથી મોટા ડેમને કારણે ઇકો-સિસ્ટમને પણ અસર થઇ શકે

૧૩૭ અબજ ડોલરના ખર્ચનો અંદાજ, જે વિશ્વના કોઇ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટેનો સૌથી વધુ ખર્ચ હશે

બેઇજિંગ,
એક હિલચાલમાં ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવાની એક યોજનાને મંજૂરી આપી છે. અંદાજે ૧૩૭ અબજ ડોલરનો પૃથ્વી પરનો આ સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ભારતની સાથે બાંગ્લાદેશની ચિંતામાં વધારો કરશે. બ્રહ્મપુત્રા નદી તિબેટમાંથી ભારતના અરુણાચલપ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહે છે. તેથી ચીનની આ યોજનાથી બંને દેશોના લાખ્ખો લોકો પણ પ્રભાવિત થઈ શકે છે. ચીન સરકારની ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ સત્તાવાર નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ચીનની સરકારે યાર્લુંગ ઝાંગબો નદીના નીચાણવાળા વિસ્તારોમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. બ્રહ્મપુત્રા નદી તિબેટમાં યાર્લુંગ ઝાંગબો તરીકે ઓળખાય છે.

આ ડેમ હિમાલયના એક વિશાળ ઘાટ પર બાંધવામાં આવશે. આ જગ્યાથી બ્રહ્મપુત્રા નદી એક વિશાળ યુ-ટર્ન લઇને અરુણાચલપ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહે છે. ડેમમાં કુલ રોકાણ એક ટ્રિલિયન યુઆન (૧૩૭ અબજ ડોલર)થી પણ વધુ થવાનો અંદાજ છે, જે વિશ્વના કોઇ પણ એક ઇન્ળાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પરનો સૌથી વધુ ખર્ચ હશે. હાલમાં ચીનનો થ્રી-ગોર્જિસ ડેમ વિશ્વનો સૌથી મોટો ડેમ માનવામાં આવે છે. આમ ડેમ નિર્માણમાં ચીન તેનો પોતાનો રેકોર્ડ તોડીને પડોશી દેશ માટે મુશ્કેલી ઊભી કરી છે. અગાઉ ચીને ૨૦૧૫માં તિબેટમાં સૌથી મોટું ૧.૫ અબજ ડોલરનું ઝામ હાઇડ્રોપાવર સ્ટેશન કાર્યરત કર્યું હતું. ભારત અને ચીને ૨૦૦૬માં સીમા-પારની નદીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નિષ્ણાત સ્તરના વ્યવસ્થતાંત્રની સ્થાપના કરી હતી, જેના હેઠળ ચીન ભારતને પૂરની સિઝન દરમિયાન બ્રહ્મપુત્રા નદી અને સતલજ નદી પર હાઇડ્રોલોજિકલ માહિતી આપે છે.

સીમા પારની નદીઓના ડેટાના આદાન-પ્રદાનના મુદ્દે તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ અને ચીનના વિદેશ પ્રાધાન વાંગ યીની બેઠકમાં ચર્ચાવિચારણા કરાઈ હતી. પ્રોજેક્ટ સાઇટ ટેકટોનિક પ્લેટની સીમા પર છે અને અહીં ભૂકંપની શક્યતા રહે છે. તેથી બ્રહ્મપુત્રા ડેમ ચીનની એન્જિનિયરિંગ ક્ષમતાની પણ કસોટી કરશે. તિબેટના આ ઉચ્ચપ્રદેશને વિશ્વની છત ગણવામાં આવે છે. તે ટેકટોનિક પ્લેટોની ઉપર હોવાથી વારંવાર ભૂકંપનો અનુભવ કરે છે. જોકે ભૂકંપ અંગેની ચિંતાને દૂર કરતાં ચીને આ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સલામત છે અને પર્યાવરણીય સંરક્ષણને પ્રાથમિકતા આપે છે.

બ્રહ્મપુત્રા તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં વહે છે અને તે પૃથ્વી પરની સૌથી ઊંડી ખીણ કોતરીને ભારતમાં પહોંચતા પહેલા ૨૫,૧૫૪ ફૂટનું સીધું અંતર કાપે છે.નદીની હાઇડ્રોપાવર સંભવિતતાનો લાભ લેવા માટે ચીનને નમચા બરવા પર્વતમાંથી આશરે ૨૦ કિમી લાંબી ૪થી ૬ ટનલો બનાવવી પડશે. પ્રોજેક્ટનો બચાવ બુધવારે સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે તેનાથી નવી વિકાસ પેટર્ન બનાવવા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા વિકાસને આગળ ધપાવવાના દેશના પ્રયાસોને વેગ મળશે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટ એક ગ્રીન પ્રોજેક્ટ છે, જેનો હેતુ લો-કાર્બન ઉત્સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. યાર્લુંગ ઝાંગબો નદીના વિપુલ પ્રમાણમાં હાઇડ્રોપાવર સંસાધનોનો ઉપયોગ કરીને, આ પ્રોજેક્ટ આસપાસના વિસ્તારોમાં સૌર અને પવન ઉર્જા સંસાધનોના વિકાસને પણ વેગ આપશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.