આ કારણસર ચીન, કેનેડા અને મેક્સિકો સખત વિરોધ કરી રહ્યા છે અમેરિકાનો
ટ્રમ્પે મોદી સાથેની મિત્રતા નિભાવી: ચીન, કેનેડા પર વધુ ટેરિફ
(એજન્સી)ન્યૂયોર્ક, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સહિત ઘણા દેશોથી થતી આયાત પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ફેન્ટાનાઇલ સહિત ડ્રગ્સની દાણચોરી અંગે ચિંતાનો ઉલ્લેખ કરી કેનેડાથી થતી આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. કેનેડાની સાથે મેક્સિકોથી થતી આયાત પર પણ ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. તેના જવાબમાં, કેનેડા અને મેક્સિકોએ પણ અમેરિકન માલ પર ભારે ટેરિફ લાદવાની વાત કરી છે.
ટ્રમ્પે ચીનથી આવતા માલ પર ૧૦ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે, જેમાં અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવાની અને ચૂંટણી વચનો પૂરા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ડ્રગ હેરફેરથી ઉદ્ભવતા જોખમોથી અમેરિકન નાગરિકોને બચાવવા માટે ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પએ લખ્યું આજે, મેં મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ૨૫% (કેનેડિયન ઊર્જા પર ૧૦%) ટેરિફ લાદ્યો છે, અને ચીન પર વધારાનો ૧૦% ટેરિફ લાદ્યો છે. આ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ દ્વારા છે. ગેરકાયદેસર એલિયન્સ અને ઘાતક દવાઓ આપણા નાગરિકોને મારી રહી હતી,
જેમાં ફેન્ટાનાઇલનો પણ સમાવેશ થાય છે. આપણે અમેરિકનોનું રક્ષણ કરવાની જરૂર છે, અને રાષ્ટ્રપતિ તરીકે મારી ફરજ છે કે હું દરેકની સલામતી સુનિશ્ચિત કરું. મેં મારા અભિયાનને ગેરકાયદેસર ઘૂસણખોરી અને હ્યુમન ટ્રાફિકિંગને સમાપ્ત કરવા માટે વચન આપ્યું હતું. તે ઘૂસણખોર અને ડ્રગ્સના પૂરને આપણી સરહદોમાં પ્રવેશતા અટકાવવાનું વચન આપ્યું હતું, અને અમેરિકનોએ તેના માટે ભારે મતદાન કર્યું હતું.
ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે તેઓ ૧ ફેબ્રુઆરીએ કેનેડા અને મેક્સિકોથી થતી આયાતને રોકવાની તેમની ધમકીનું પાલન કરશે. ચૂંટણી પ્રચાર દરમિયાન, ટ્રમ્પે ચીનમાં બનેલા ઉત્પાદનો પર ૬૦ ટકા સુધીના ટેરિફ લાદવાની ધમકી આપી હતી, પરંતુ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યાના પહેલા દિવસે તેમણે તાત્કાલિક કોઈ પગલાં લીધાં નહીં. તેના બદલે તેમણે તેમના વહીવટીતંત્રને આ મુદ્દાનો અભ્યાસ કરવાનો આદેશ આપ્યો.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે યુએસ ટેરિફ પ્રત્યે તેમનો પ્રતિભાવ “બળવાન પણ યોગ્ય” હશે. ધ ગ્લોબ એન્ડ મેઇલના અહેવાલ મુજબ, શુક્રવારે કેનેડા-યુએસ સંબંધો પર તેમની સલાહકાર પરિષદ સાથેની બેઠક પહેલા, ટ્રુડોએ પત્રકારોને જણાવ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ કેનેડા સામે કોઈ ટેરિફ લાદવાનું પસંદ કરે છે, તો અમે જવાબ આપવા માટે તૈયાર છીએ.
અમેરિકા દ્વારા આયાત ડ્યુટીમાં વધારો કરવા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. ચીન, કેનેડા અને મેક્સિકોએ અમેરિકાના આ પગલાનો સખત વિરોધ કર્યો છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે, તેમણે આયાતી માલ પર વધારાના ૧૦ ટકા ટેરિફ લાદવાના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચીને એમ પણ કહ્યું કે તે અમેરિકાના આ ખોટા કાર્યવાહીના જવાબમાં વિશ્વ વેપાર સંગઠન માં ફરિયાદ નોંધાવશે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા વધારાની ડ્યુટી એકપક્ષીય રીતે લાદવી એ ડબલ્યુટીઓ નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ પગલું માત્ર તેમની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ જશે એટલું જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના સામાન્ય આર્થિક અને વ્યાપાર સહયોગને પણ અવરોધ કરશે. ચીને અમેરિકાને વિનંતી કરી છે કે, તે તેના ફેન્ટાનાઇલ અને સંબંધિત મુદ્દાઓને ઉદ્દેશ્ય અને તર્કસંગત રીતે જુએ અને સમાધાન કરે,
ન કે અન્ય દેશોને ધમકાવવા માટે વારંવાર આયાત શુલ્કનો ઉપયોગ કરે. પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકાએ પોતાની ભૂલો સુધારવી જોઈએ અને ચીન સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી બંને પક્ષો એકબીજા સાથે રહી શકે. તેમણે અમેરિકાને સમાનતા, પરસ્પર લાભ અને પરસ્પર આદરના આધારે સમસ્યાઓનો સામનો કરવા, સ્પષ્ટ સંવાદમાં જોડાવા, સહયોગને મજબૂત કરવા અને મતભેદોનું સંચાલન કરવા માટે આહ્વાન કર્યું હતુંકેનેડા અને મેક્સિકોએ ટ્રમ્પ દ્વારા બંને દેશો પર ભારે આયાત જકાત લગાવવાની જાહેરાત કર્યા બાદ અમેરિકી માલ પર કર લાદવાની જાહેરાત કરી છે.