ચીને ભારતનો ૪,૦૦૦ ચો.કિમી પ્રદેશ હડપ કર્યો છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, અમેરિકાની યાત્રા પર ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર ચાલુ રાખતાં વોશિંગ્ટનમાં દાવો કર્યાે હતો કે સરકાર ચીન સંઘર્ષના મુદ્દાનો સામનો કરવામાં નિષ્ફળ ગઈ છે અને પડોશી દેશના લશ્કરી દળોએ ભારતનો ૪,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર હડપ કરી લીધો છે, જે આપત્તિજનક છે. રાહુલ ગાંધી યુએસ કેપિટોલ (સંસદભવન)માં સાંસદોના એક ગ્રૂપને મળ્યાં હતા અને વિવિધ મુદ્દાની ચર્ચાવિચારણા કરી હતી.
આની સાથે સાથે વિપક્ષના નેતાએ સંકેત આપ્યો કે કોંગ્રેસ અમેરિકા ખાતેના સંબંધો, આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં, બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વો અંગેની ચિંતા જેવા વિદેશ નીતિના મુખ્ય મુદ્દાઓ સાથે ભાજપ સરકાર સાથે સંમત છે.
મંગળવારે પ્રતિષ્ઠિત નેશનલ પ્રેસ ક્લબ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ભારતના આંતરિક મામલામાં અમેરિકાની કોઈ ભૂમિકા ઈચ્છતા નથી. ચીન અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમારા ૪,૦૦૦ ચોકિમી પ્રદેશમાં ચીનના સૈનિકોનો કબજો છે.
ચીનના લશ્કરી દળોએ લદ્દાખમાં દિલ્હીના કદનો વિસ્તાર હડપ કરી લીધો છે. મને લાગે છે કે તે આપત્તિજનક છે. મીડિયાને તેના વિશે લખવાનું પસંદ નથી.
જો કોઈ પાડોશી તમારા પ્રદેશના ૪,૦૦૦ ચોરસ કિલોમીટર પર કબજો કરે તો અમેરિકા કેવી પ્રતિક્રિયા આપશે?શું કોઈ પણ પ્રમુખ એમ કહીને છટકી શકશે કે તેમણે તે મુદ્દાનો સારી રીતે સામનો કર્યાે છે? તેથી મને નથી લાગતું કે મોદીએ ચીનને સારી રીતે હેન્ડલ કર્યું છે. મને લાગે છે કે ચીનના સૈનિકો આપણા વિસ્તારમાં અડ્ડો જમાવે તેનું કોઈ કારણ નથી.
યુ.એસ.ની ચાર દિવસની બિનસત્તાવાર મુલાકાતે રહેલા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અમારા દેશોમાં ત્રાસવાદીની ઉશ્કેરણી કરે છે. પાકિસ્તાન અમારા દેશમાં આતંકવાદી કૃત્યો કરે તેને અમે સ્વીકારી શકીએ નહીં.
અમે તેને સ્વીકારવાના નથી. પાકિસ્તાન આવું ચાલુ રાખશે ત્યાં સુધી બંને દેશો વચ્ચે સમસ્યા રહેશે. કાશ્મીર મુદ્દો દક્ષિણ એશિયાના બે દેશોને વાતચીતથી દૂર કરી રહ્યો છે તેવા સવાલનો તેમણે નકારમાં જવાબ આપ્યો હતો.SS1MS