ચીની સેના મેકમોહન રેખાને પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરતી હોવાના સંકેતો?
ઇટાનગર: દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ફરી એક વાર ચીનના સૈન્યની ઘૂસણખોરીના સંકેત મળ્યા છે. અહેવાલો અનુસાર ચીનની સેના અરુણાચલ પ્રદેશમાં ૭૫ કિ.મી. સુધી અંદર ઘૂસી ગઇ હતી અને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં ચીની સેનાએ ડ્રેગનનો ભાગ એવા શબ્દો પણ લખ્યા હતા.
અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર ચીનની સેના ભારતીય સરહદમાં કેટલાય કિલોમીટર સુધી અંદર ઘુસી આવી હતી. ચાગલાગમ વિસ્તારમાં ચીની સેનાએ પથ્થર પર મંદારીન ભાષામાં નિશાન કરી દીધાં છે અને તેના પર પોતાનો કબજો પણ જાહેર કરી દીધો છે.
જોકે ભારતીય સૈન્યએ ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરીના અહેવાલને રદિયો આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાગલાગમ વિસ્તાર અત્યંત દુર્ગમ અને અંતરિયાળ વિસ્તાર છે. અહીં વાહનમાર્ગે પણ સંપર્ક ઉપલબ્ધ નથી. જિલ્લા વડામથક સુધી પહોંચવા માટે સ્થાનિક લોકોને બે દિવસ સુધી પગે ચાલીને જવું પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-ચીન વચ્ચેની સરહદને મેકમોહન રેખા વિભાજિત કરે છે, પરંતુ કેટલીયે વાર ચીની સેના મેકમોહન રેખાને પાર કરીને ભારતમાં ઘૂસણખોરી કરતી હોવાના સમાચાર મળતા રહે છે, પરંતુ આ વખતે થયેલી ઘૂસણખોરીને સ્થાનિક લોકો વધુ ચિંતાજનક માની રહ્યા છે. સરહદી ?વિસ્તારોમાં ફરતા શિકારીઓએ અરુણાચલ પ્રદેશના ચાગલાગમ વિસ્તારમાં ચીનની ઘૂસણખોરી અને પથ્થરો પર મંદારીન ભાષામાં લખેલા સંદેશાઓની તસવીરો પણ લીધી છે.
અલબત્ત, ભારતીય સૈન્યએ કોઇ પણ પ્રકારની ઘૂસણખોરીને સમર્થન આપ્યું નથી. આ તસવીરોની સત્યતાને પ્રમાણિત કરવા માટે જ્યારે સેના સાથે વાત કરવામાં આવી ત્યારે સેનાએ તેના પર કોઇ પણ નિવેદન આપવા ઇનકાર કર્યો હતો.