ચીને પોતાના કારખાના ધમધમતા રાખવા બીજા દેશોમાં બેરોજગારી ફેલાવી?
નવી દિલ્હી, આખી દુનિયામાં તેજી હોય કે મંદી, ચીનને કોઈ ફરક નથી પડતો. આખા વિશ્વના અર્થતંત્રોમાં ગભરાટ હોય ત્યારે પણ ચીનની નિકાસ સતત વધતી જાય છે. ચીને તાજેતરમાં વિદેશમાં પોતાના માલના વેચાણમાં એટલો બધો વધારો કર્યો છે કે ચાઈનીઝ અર્થતંત્રને ફાયદો થયો છે, પરંતુ બીજા દેશોમાં રોજગારી ઘટી રહી છે. યુરોપથી લઈને એશિયા સુધીના દેશોમાં ચીન સામે નારાજગી ફેલાઈ રહી છે.
ચીનના દરેક પ્રાંતમાં ટીવીથી લઈને વોશિંગ મશીન અને કારથી લઈને મોબાઈલ ફોનની ફેક્ટરીઓ ધમધમી રહી છે. ચીનના ગ્રાહકો વધતા જાય છે જેના કારણે ચીન પોતાના વર્ક ફોર્સને જોબ આપી શકે છે. પરંતુ દુનિયાના બીજા દેશોમાં જોબ ઘટી રહી છે.
ચીનના કારખાના અત્યારે સોલર પેનલ, કાર, ઈલેક્ટિÙક ગેજેટ્સ, સ્ટીલના ઉત્પાદનમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. બીજી તરફ દુનિયાના અન્ય દેશોની ફરિયાદ છે કે આ બધું તેમની ઈકોનોમીના ભોગે થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે યુરોપિયન યુનિયને જાહેરાત કરી કે હવેથી ચીનની ઈલેક્ટિÙક કાર પર ઈમ્પોર્ટ ડ્યૂટી નાખવામાં આવશે.
યુરોપિયન યુનિયનનો આરોપ છે કે ચીન પોતાની ઈન્ડસ્ટ્રીને ગેરકાયદે રીતે સબસિડી આપે છે જેથી તેનો માલ સસ્તો પડે અને વિદેશી બજારો તૂટી જાય. યુરોપે હજુ સુધી ચાઈનીઝ કાર પર કેટલી ડ્યૂટી નાખવી તે નક્કી નથી કર્યું. પરંતુ ૭ માર્ચથી જે માલ આવશે તેના પર ચાર્જ ઉમેરવામાં આવશે. ચીનમાં હાલમાં હાઉસિંગ ક્રાઈસિસ ચાલે છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરતા ઘણા લોકો નવરા થઈ ગયા છે.
તેથી તેમને કામે લગાડવા માટે બીજી ચીજોનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે અને કૃત્રિમ રીતે ભાવ નીચા રાખવામાં આવે છે. વિશ્વમાં મેન્યુફેક્ચર્ડ ગુડ્સની જે ડિમાન્ડ છે તેમાંથી ચીન ત્રીજા ભાગનું ઉત્પાદન કરે છે. સ્થિતિ એવી છે કે અમેરિકા, જર્મની, જાપાન અને સાઉથ કોરિયા સાથે મળીને જે માલ બનાવે છે તેના કરતા ચીનનું ઉત્પાદન વધુ છે.
યુરોપિયન દેશોમાં બધી જગ્યાએ ચાઈનીઝ સોલર પેનલ અને વિન્ડ ટર્બાઈન્સનું વેચાણ થાય છે. ભારતમાં પણ આવી જ સ્થિતિ પેદા થઈ હોવાથી ભારતે ચાઈનીઝ સ્ટીલ પર ઈમ્પોર્ટ ડ્યૂટી નાખવાની જાહેરાત કરી છે. તુર્કીની પણ ફરિયાદ છે કે ચીન પોતાનો માલ વેચે છે પરંતુ તુર્કીનો માલ ખરીદતું નથી.
અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં આ મુદ્દો ગાજ્યો છે. પ્રેસિડન્ટ બાઈડને બે દિવસ અગાઉ કહ્યું હતું કે અમેરિકાની સૌથી આધુનિક ટેક્નોલોજી ચીનને ન મળે તે વાતની કાળજી રાખવામાં આવશે. ચીન અમારી હાઈ ટેક્નોલોજી દ્વારા એક્સપોર્ટ કરે તે સ્વીકાર્ય નથી.
ચીને હવે નિયંત્રણોથી બચવા માટે બીજા રસ્તા પણ વિચારી લીધા છે. તે પોતાના કમ્પોનન્ટને વિયેતનામ, મલેશિયા અને મેક્સિકો જેવા દેશમાં વેચે છે, ત્યાં પ્રોડક્ટને એસેમ્બલ કરવામાં આવે છે અને પછી તેના પર જે તે દેશનો સિક્કો લાગી જાય છે. આ માલ પછી અમેરિકા, યુરોપના બજારમાં જાય છે અને એક્સપોર્ટ ટેરિફમાંથી બચી જાય છે.SS1MS