Western Times News

Gujarati News

સિક્કીમને ભારતથી અલગ કરવાની ચીને ધમકી આપી

બેઈજિંગ: છેલ્લા કેટલાક સમયથી ભારતમાં તાઈવાનને અપાઈ રહેલા સમર્થનને વધતું જોઈને ચીન રોષે ભરાયું છે. પહેલા તાઈવાનના નેશનલ-ડેમાં ભારત સામેલ થયું હતું અને તેના કારણે ચીને રોષે ભરાયેલા ચીને હવે અહીંના મીડિયા સામે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જ ભારતને તોડવાના તેના ઈરાદા પણ સામે આવી રહ્યા છે.

તાઈવાનના વિદેશ મંત્રીનું ભારતીય ચેનલે ઈન્ટરવ્યુ કર્યું તો ચીનના પ્રોપેગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે સીધી ધમકી આપી દીધી છે કે આવું થતું રહ્યું તો ચીન ઉત્તરપૂર્વને ભારતથી અલગ કરવાની કાર્યવાહી કરી શકે છે. ગ્લોબલ ટાઈમ્સના એડિટર હુ શિજિને ટિ્‌વટ કર્યું છે કે ભારતની સામાજિક શક્તિઓ તાઈવાન મુદ્દે રમી રહી છે, તેમને ખબર હોવી જોઈએ કે અમે ઉત્તરપૂર્વ ભારતમાં અલગતાવાદી શક્તિઓનું સમર્થન કરી શકીએ છીએ અને સિક્કિમને અલગ કરી શકીએ છીએ. આ રીતે અમે જવાબી પગલા ભરી શકીએ છીએ.

ભારતીય રાષ્ટ્રવાદીઓએ પોતાના વિશે વિચારવું જોઈએ. તેમનો દેશ નાજુક છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા ટુડેએ તાઈવાનના વિદેશ મંત્રી જોસફ વૂનો ઈન્ટરવ્યુ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તાઈવાન ક્યારેય ચીનનો ભાગ રહ્યો નથી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને તાઈવાનના અસ્તિત્વને સ્વીકારીવાની પણ અપીલ કરી હતી. ત્યારબાદ ભારતમાં ચીનના દૂતાવાસે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, તાઈવાનને મંચ પૂરુ પાડવાથી વન ચાઈના પોલિસીનું ઉલ્લંઘન થયું છે.

અગાઉ નવી દિલ્હીમાં ચીનના દૂતાવાસ બહાર દિલ્હી ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ તાઈવાન નેશનલ ડેના પોસ્ટર લગાવ્યા હતા તેનાથી પણ ગ્લોબલ ટાઈમ્સ રોષે ભરાયું હતું. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું હતું કે, આ આગ સાથે રમત રમવા જેવું કામ છે અને પહેલાથી જ ખરાબ રહેલા ભારત અને ચીનના સંબંધો વધારે ખરાબ થઈ શકે છે. ચીની અખબારે કહ્યું હતું કે, ભારતની સત્તારૂઢ પાર્ટી ભાજપ મૂર્ખ જેવું વર્તન છોડી દે અને સમજે કે તે આગ સાથે રમી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.