કંગાળ પાકિસ્તાનને ચીન વધુ ૩.૭ અબજ ડોલરની લોન આપશે

ઈસ્લામાબાદ, ચીને પોતાના મિત્ર દેશ પાકિસ્તાનને મદદ કરવા માટે વધુ એક વખત પોતાનો ખજાનો ખોલ્યો છે. ચીન ભિખારી પાક.ને હથિયારો બાદ હવે ૩.૭ અબજ યુએસ ડોલરની લોન પણ આપશે.
જૂનના અંત પૂર્વે ચીન પાકિસ્તાનને વ્યવસાયિક લોન આપશે જેમાં આગામી મહિને પાકતી ૨.૪ અબજ ડોલરની રકમનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનને ચાઈનિઝ કરન્સીમાં આ ઋણ આપવામાં આવશે જેથી તેનું વિદેશી હૂંડિયામણ અનામત બે આંકડામાં જળવાઈ રહેશે. ચીને પાકિસ્તાનને મદદ કરીને એકસાથે અમેરિકા અને ભારત બંને પર નિશાન સાધ્યું છે.
અગાઉ ચીન દ્વારા પાકિસ્તાનને અમેરિકન કરન્સી ડોલરમાં લોન આપવામાં આવી હતી પરંતુ આ વખતે વ્યૂહાત્મક રીતે ચીનની કરન્સી યુઆનમાં લોન ફાળવવામાં આવશે. ડોલર આધારિત અર્થવ્યવસ્થાથી અલગ પડવાની પણ ચીનની આ રણનીતિ હોવાનું માનવામાં આવે છે.
ચીને તાજેતરમાં મળેલી બેઠકમાં માર્ચ તથા જૂન ૨૦૨૫માં પાકતી લોનના પુનઃધિરાણને સુરક્ષિત કરવા માટે નવું ધિરાણ આપવાની ખાતરી વ્યક્ત કરી હોવાનું પાક. મીડિયાએ રિપોર્ટમાં ટાંક્યું હતું.
પાકિસ્તાને ચાલુ વર્ષે માર્ચથી એપ્રિલ વચ્ચે ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના (આઈસીબીસી)ને ત્રણ તબક્કામાં ૧.૩ અબજ ડોલરની લોન ભરપાઈ કરી હતી. સૂત્રોના મતે આઈસીબીસી આગામી દિવસોમાં પાકિસ્તાનને ચાઈનિઝ કરન્સીમાં પુનઃ ધિરાણ આપી શકે છે.
ચાલુ મહિને આઈએમએફ દ્વારા એક અબજ ડોલરના ઋણને મંજૂરી અપાતા પાક.ની કેન્દ્રીય બેંકનું વિદેશી હૂંડિયામણ અનામત ૧૧.૪ અબજ ડોલર રહ્યું હતું. ચીન દ્વારા વધારાની લોન મળતા તે ૧૨.૭ અબજ ડોલર થશે.
ચીનની ત્રણ કોમર્શિયલ બેંકોની ૨.૧ અબજ ડોલરની લોન જૂનમાં પાકશે. ચીનની પુનઃ ધિરાણની મદદ પાકિસ્તાનને ના મળી હોત તો વિદેશી અનામત ૧૦ અબજ ડોલરની નીચે જવાની સંભાવના હતી.SS1MS